આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દ્વિરેફની વાતો


એટલો ભય લાગ્યો કે તે કશું પૂછી ન શક્યો. જમનાએ, શહેરની એક બે પરિસ્થિતિના સવાલો પૂછી, જોઈતું કરતું મગાવી, વાતચીતના વલણથી જ વીરેન્દ્રને રજા આપી.

સાતેક દિવસ આમ ગયા પછી વીરન્દ્ર મળવા ગયો ત્યારે જમના રાંધતી હતી. દૂર રહી એ જોતું કરતું પૂછતો હતો તેને જમનાએ પાસે આવવાનું કહી બેસાર્યો તે બોલીઃ “મેં એમને જેલમાં કાગળ લખ્યો છે તેમાં તમે પણ એ શબ્દો લખો. જુઓ, એ રહ્યો.’ કાગળમાં ઇન્દુના મૃત્યુના સવિસ્તર સમાચાર હતા, વીરેન્દ્ર અને બીજા દાક્તરોએ મદદ કર્યાનો ઉલ્લેખ હતો. છેલ્લે હતું: “પહેલાં તો તમને ચિંતા ન કરાવવા ખબર જ ન આપવા એમ મેં ધારેલું પણ અત્યારે મારા મનને હું સંપૂર્ણ સ્વસ્થ કરી શકી છું. એટલે તમને પણ ખબર લખું છું. તમે પણ મનને સ્વસ્થ રાખશો. મારી ખાતર પણ અસ્વસ્થ થશો નહિ.” લખવા સંબંધી નિશ્ચય આમ એકદમ શાથી ફેરવ્યો એવો તર્ક વીરેન્દ્રને થયો પણ જમના સામે જોતાં તે પૂછવાની તેની હિંમત ચાલી નહિ. તેણે પણ બે શબ્દો સાન્ત્વનના લખ્યા. તે લખી રહ્યો એટલે ફરી વીરેન્દ્રને તેણે બેસાડી આગળ કહેવા માંડ્યું: “જુઓ, એ જેલમાં ગયા. એની લાગણી પૂરી ભોગવી શકું તે પહેલાં ઇન્દુનું દુઃખ પડ્યું. એનું દુ:ખ પૂરું ભોગવી શકું તે પહેલાં મારી ભૂલનું દુઃખ પડ્યું....” એ આગળ કહેવા જતી હતી તે પહેલાં વીરેન્દ્રે કહ્યું: “બહેન, મને પણ રાતદિવસ પશ્ચાત્તાપ થયા કરે છે.”

જમનાએ વચ્ચેથી અટકાવીને કહ્યું: “પણ મારા નસીબમાં પશ્ચાત્તાપ ભોગવવાનું નથી. એ ભૂલનું પરિણામ માત્ર માનસિક પશ્ચાત્તાપ કરતાં મારે માટે વિશેષ છે.” વીરેન્દ્ર ફરી લાગણીના આવેશમાં બોલ્યો: “બહેન, તમે કહો તે કરવા હું તૈયાર છું.” ફરી તેને બોલતો અટકાવી જમના બોલી: “તમે સમજ્યા નહિ. મારે માટે એ વધારે વિકટ પ્રશ્ન છે, જે આવી ભૂલમાં માત્ર સ્ત્રી માટે જ હોય છે, અને વર્તમાન