આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
દ્વિરેફની વાતો.


માટે કે કોણ જાણે શા કારણે, તેણે એક બહુ સારી યુક્તિ શોધી કાઢી હતી. શહેર બહાર તેનું મોટું ખેતર હતું. ખેતરમાં શહેરની બાજુએ કૂવો હતો. શહેરમાં રેંકડી ખેંચવાનો ધંધો કરવા વાઘરી આવતાં તેમને તે ખેતરમાં ઝૂંપડું કરવા દેતો અને ભાડા બદલ તેમની પાસે આંબા ઉછેરાવતો. કુવાથી દૂરમાં દૂર જગાએ તેણે આંબા શરૂ કર્યા હતા, અને જેમ જેમ નવા માણસો રહેવા આવતા ગયા તેમ તેમ જૂનામાંથી સારા કામ કરનારને કૂવાની નજીક આંબા રોપવાનું કામ સોંપી તે પ્રોમોશન આપતો ગયો. કંકુનાં માબાપ તેનાં સૌથી સારાં કામઢાં ભાડુઆત હતાં. શહેરની અને કૂવાની તદ્દન નજીક આવવું, ભાડે રેંકડી રાખતાં હતાં તેને બદલે ઘરની રેંકડી વસાવવી, પાંચ પૈસા ભેગા કરવા વગેરે અનેક મનોરથો તેમણે સિદ્ધ કર્યા હતા, અને ઘણીવાર રાતે તાપણી આગળ બેસી પતિપત્ની આ સુખની વાત કરતાં. કંકુએ તેમની વાતમાંથી જ આ દલીલ આપેલી હતી. દલીલ સાચી નહોતી, ઝૂંપડું એટલું બધું નજીક આવ્યું નહોતું અને હજી ઘણું ચાલવાનું બાકી હતું, પણ કંકુનાં માબાપે વધારે તાણ ન કરી. તે જાણતાં હતાં કે છોકરી ટેકવાળી છે; આટલે વરસે તેનો ભાર માબાપ ઉપાડે તે તેને ગમતું નહોતું, અને માટે જ તે ના પાડતી હતી. તે તો ઘણીવાર પોતાની બાની જગા લઈ બાપની સાથે આગળથી રેંકડી ખેંચવા દેવાનું અને બાને પાછળ રહેવાનું કહેતી, પણ હેતાળ માબાપે તે કદી માન્યું નહોતું. એકની એક છોકરી ઉપર તેમને એટલું હેત હતું !

કંકુનાં માબાપ આગળ ચાલ્યાં ગયાં. તેમની રેંકડીનો અવાજ ઓછો થતો થતો બંધ થઈ ગયો તે સાંભળતી સાંભળતી કંકુ ધીમે ધીમે આગળ જતી હતી. ત્યાં તેને પાછળથી ખાલી ખખડતી ઉતાવળી આવતી નવી રેંકડીનો અવાજ, ખેંચનારના જોડાના ચમચમ અવાજ સાથે સંભળાયો. અવાજ ઉપરથી તે સમજી ગઈ કે એ કાનિયો આવતો હતો.