આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
રેંકડીમાં.

રેંકડીના અવાજથી અટ્ટહાસ્ય કરતી હતી. ઉપર રેંકડીમાં બેઠેલી કંકુ યૌવનનું પહેલું અટ્ટહાસ્ય કરતી હતી.

રેંકડીમાં કેટલું દોડાયું તે બેમાંથી કાઈ એ જાણ્યું નહિ. પણ સડકના પથરા પૂરા થયા, ફરી ચીલાવાળી પોચી જમીન આવી, આંબાવડિયું નજીક આવ્યું, ત્યાં કાનિયાએ રેંકડી ધીમી પાડી. બન્નેએ જોયું તો હજી કંકુના ઘરમાં દીવો થયો નહોતો. કંકુએ કહ્યું, “અલ્યા, હું ના પાડતી’તી કે ગાંડાની પેઠે દોડ્ય માં! હવે આટલો વખત શું કરવું?”

“કેમ, ઘેર નહિ જવાય?”

“ગાંડો ! મારાં માબાપ આગળ જતાં હતાં. તેમણે મને રેંકડીમાં બેસવા કહ્યું ને મેં ના પાડી. ને હવે એમના પહેલાં જઈ ને બેસું તો શું લાગે?”

“ત્યારે એ ક્યાં રહ્યાં !”

“પેલી નવી સડક આગળ હેઠલે ચીલે જતાં હશે ને આપણે આગળ નીકળી ગયાં !”

“ત્યારે એમ કરીએ. આટલા ભેગું વધારે. લે, થોડી વધારે સહેલ કરી લે. આવો લાગ તને ય ફરીને નહિ મળે!”

“ના એમ નહિ. ઓલ્યા ટેકરા ઉપર શરકટ પછવાડે જઈને બેસીએ. દીવો દેખાય એટલે તું મને મારગે મૂકી જજે.”

“ને પછી શેઠાણીબાઈ ડાહ્યાં ડમરાં થઈને લૂલાં લૂલાં ઘેર જશે !”

“હાસ્તો!”

કાનિયાએ ફરી રેંકડી લીધી. ઊંચે શરકટના ઝુંડ પછવાડે રેંકડી ટેકવીને ઊભી રાખી, ને કાનિયો કંકુડી પાસે રેંકડીમાં બેઠો. તેનો હાથ કંકુના હાથને અડ્યો અને કંકુને તે ઘણો જ ઠંડો લાગ્યો. તેણે તેના શરીરે હાથ ફેરવી જોયે, કાનિયાને ખૂબ પરસેવો વળ્યો હતો. કંકુએ