આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
દ્વિરેફની વાતો.


કાનિયો કંકુ એક અણધારી આફતમાંથી બચી ગયાં, અને રૂપિયા સાતસો કમાઈ ગયાં. તેમણે તરત તો રકમ દાણાવાળાને ત્યાં વ્યાજે મૂકી. આખા આંબાવાડિયામાં આ એક બહુ મોટો બનાવ બન્યો !

હવે આ રૂપિયાનું શું કરવું તેનો કાનિયો ને કંકુ વિચાર કરવા બેઠાં. કાનિયાને સૌથી પહેલાં દેશમાં પાકું ઘર કરાવવાનું સૂઝ્યું. કંકુ કહેઃ “આપણે જનમભર રહેવું અહીં ને ઘર ત્યાં કરાવ્યે શો ફાયદો ? દેશમાં આંટો જતાં જ પચીપચા તો થઈ જાય. અને અહીં શહેરમાં તો એટલાથી ઘર શું ઝૂંપડું ય ન થાય !” એટલે ઘરની વાત પડતી મુકાઈ. કાનિયાએ ઘરેણાં કરાવવાનું પૂછ્યું. કંકુએ કહ્યું: “મારે તો એક વીંટીનું મન છે. એથી વધારે ઘરેણાં આપણને શોભે નહિ ! પણ કાનિયા હું તને પરણી ત્યારનાં આપણે તારે ગામ કોઈ દી ગયાં નથી. તું નહોતો ગાતો ?

લેજૂડી, તારો મલક્ક મારે જોવો છે!

તે તારો મલક મને દેખાડ્ય.”

આંબાવાડિયામાં રમતાં, કાનિયાએ ઘણીવાર, દેશમાં નાનપણમાં પડેલી વિટંબણાઓનું વર્ણન કરેલું, તેનો સાક્ષીભૂત પ્રદેશ જોવાની કંકુને મુગ્ધ ઇચ્છા થઈ આવી ! કાનિયાએ કહ્યું “ત્યાં તો પાણીએ નથી મળતું, ત્યાં શહેરના જેવું રહેવાનું નહિ, ઓઢવા પહેરવાનું નહિ, ખાવાનું નહિ, શાક પાંદડું નહિ.” પણ કંકુ એકની બે થઈ નહિ. છેવટે બન્ને આંબાવાડિયામાંથી સૌની રજા લઈ વાંસળીમાં થોડા રૂપિયા ભરી નીકળ્યાં.

પ્રૌઢ વયનાં દંપતીને પણ મુસાફરીનું સહજીવન અત્યંત મધુર લાગે છે તો અભિનવ પ્રેમવાળાંની તો વાત જ શી ? સંસારની ચાલુ ઘટમાળમાં જાણે થોડા વખત છુટ્ટી પડી ! કાનિયા કંકુને મુસાફરીમાં ખૂબ મજા પડી ! તેમણે ખૂબ વાતો કરી. કાનિયાએ પોતાના વડવાની