આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રસ્તાવના

દ્વિરેફની વાર્તા ભાગ ૨જાની પ્રસ્તાવનામાં મેં લખેલું હતું કે પહેલા ભાગની વાર્તા કરતાં બીજા ભાગની વાર્તા લખતાં લેખકનું માનસ બદલાયેલું છે, તેનો દૃષ્ટિકોણ બદલાયેલો છે. તેને એમ જણાય છે કે જગતમાં ક્યાંક એવી જગાએ અનિષ્ટ રહેલું છે કે તેની પાસે માણસ લાચાર, નિરુપાય હોય છે. માણસમાં એવાં ગૂઢ અંધ બળો રહેલાં છે જેની આગળ વ્યક્તિ બિચારી કશું જ કરી શકતી નથી, અને ઊંટ નકલથી દોરાય તેમ, તેની દોરી દોરાય છે. આમ દોરાઈ ગયેલી વ્યક્તિ તરફ પછી લેખક ઘૃણા કરી શકતો નથી. આ ત્રીજા ભાગની વાર્તાના અંતરમાં પણ એ જ માનસ છે. જગતના અનિષ્ટ સામેના યુદ્ધમાં વાર્તાકારનું માનસ જાણે પરાભવ અને એ પરાભવજન્ય લાચારી અને શરમ અનુભવે છે. બધી વાર્તા જાણે દુઃખકર, ઉદ્વેગકર, મનને અસ્વસ્થ કરનારી છે.

અને છતાં તેમાં અપવાદવાળી ગણી શકાય એવી વાતો પણ છે, ‘રેંકડીમાં’ અને તેના અનુસંધાનમાં લખાયેલી ‘કંકુડી અને કાનિયો’ શુદ્ધ અપવાદ છે. દુનિયાંના અકસ્માતે, દુનિયાંનું અનિષ્ટ પણ આ મુગ્ધ દંપતીને અનુકૂળ નીવડે છે. પણ એ એક જ [કે બે જ] વાર્તા એવી છે. ‘ઇન્દુ’માં દંપતીનો સાચો પ્રેમ, દાંપત્યજીવનના અને મૈત્રીના એક સ્ખલન ઉપર છેવટે વિજય મેળવે છે, પણ તે કેટલી યાતના પછી! વાર્તામાં એક વિજ્યના આનંદ કરતાં, એ યાતનાની કરુણતા જ લેખકના માનસ ઉપર સામ્રાજ્ય ભોગવે છે. ‘પોતાનો દાખલો’ વાતમાં પણ, છેવટે અનિષ્ટ ઉપર પ્રેમનો વિજય થાય છે, પણ ત્યાં પણ એ વિજય પૂર્વેની યાતના એ જ વાર્તાનો મુખ્ય ભાવ છે,—જો કે પોતાનો દાખલો આપનાર પાત્ર પોતાનો કરુણ ઢાંકવા, અને કંઈક પોતા તરફના તિરસ્કારથી, એ આખા કિસ્સાને અવજ્ઞાના કટાક્ષથી ઢાંકે છે. અનિષ્ટ સામેના આ