આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
દ્વિરેફની વાતો.


“અલ્યા, આટલી નાનીમાં આટલો બધો ભાર શો ?” પૂછ્યું, મોહન વાંચવાની શક્યતા વિચાર્યાં વિના બને તેટલી ચોપડીઓ સાથે લાવ્યો હતો. તેણે કહ્યું: “ભાઈ, તમનેય મજા પડશે એવી ચોપડીઓ છે. સરસ વાર્તાની છે.” જયંતીએ ઉપાડવા કહ્યું, પણ રાજારામે મોહનને બને તેટલું કામ હાથે કરવા શિખામણ આપેલી તેથી, અને શહેરી હોવા છતાં પોતે નબળો નથી એમ બતાવવા, તેણે ટ્રંક પોતે જ રાખી; કચ્છો વાળી, ટોપી ખીસામાં મૂકી, હાથ બદલાવતો, કોઇ વાર ખભે ચઢાવતો તે ચાલ્યો.

વરસાદ ઘણા દિવસથી રહી ગયો હતો, પણ હજી લોકોનો અવરજવર શરૂ થયો નહોતો અને રસ્તા કે કેડી પડી નહોતી, જયંતી માર્ગનો ભોમિયો હતો. તે અટકળે અટકળે રસ્તો જોતો સાવચેતીથી ચાલતો હતો. બન્ને જણા વાતા કરતા કરતા રસ્તે જતા હતા. રસ્તે જતાં જયંતીએ મોહનને કહ્યું કે તું જરા થોડે સુધી જઈ ઊભા રહેજે, હું થોડીવારે તને ભેગો થાઉં છું. મોહન ચાલવા માંડ્યો અને રોકાવાને બદલે તેણે વધારે ધીમી ગતિથી ચાલવા માંડ્યું. થોડીવાર જયંતી તેની પછવાડે ચાલવા માંડ્યો ત્યાં તેણે ઓચિંતી મોહનની ચીસ સાંભળી અને એક ક્ષણમાં મોહનને કળણની અંદર ખૂંચી જતો જોયો. તે દોડીને પહોંચ્યો પણ ત્યાં જઈને જોયું તો મોહનનું એક પણ ચિહ્ન રહ્યું નહોતું, ઉપર કચરો પૂરેપૂરો ફરી વળ્યો હતો. એક અનંત ઊર્મિ, અનંત આશા, અનંત શક્યતાવાળા, અનેકની સાથે અનેક રીતે સંકળાયેલા માનવીને ધરતી ગળી ગઈ. પણ જાણે કશું જ બન્યું ન હોય એવું દેખાતું હતું ! જયંતીએ ચારે બાજુ જોયું. એનું એ અર્થહીન જડ આકાશ, એની એ પૃથ્વી, એનાં એ ઝાડ ! ક્યાંઈ કશો જ ફેરફાર નહોતો !

પણ માણસ પૃથ્વી જેવું ઉદાસીન કે તટસ્થ થઈ કે રહી શકતું નથી. એ બનાવને માટે જયંતી જરા પણ જવાબદાર નહોતો.