આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
દ્વિરેફની વાતો.


ઘરમાંથી બહાર આવી ને તે પણ કહેવા લાગી: “જયંતીનું મન બહુ પોચું. માણસોનાં છોકરાં તો કેવાં કઠણ કાળજાનાં હોય છે ! અને આ તો એક આજે ભાઈ ન ઊતર્યો એટલામાં કેવો થઈ ગયો ?” ફળીનાં માણસો ભેગાં થઈ ગયાં હતાં તેની પાસે ફરી પ્રચાર કરવાનો જીવરામને લાગ મળ્યો “મારા જયંતીનું હૃદય બહુ કૂણું ! મોહન ગાડીએથી ઊતર્યો નહિ એટલામાં કેટલો ગભરાઈ ગયો? એને મન મોહન સગા ભાઈ જેવો છે. એના મનમાં જરા ય કળજગ પેઠો નથી !” જયંતીએ આટલી વારે ડૂસકું થોભાવી કહ્યું: “ત્યારે એ કેમ નહિ ઊતર્યો હોય ! એને કાંઈ થયું હશે તો ?” મનની અસહ્ય અસહાયતામાં તેણે માબાપનો માર્ગ પકડી લીધો હતો. ઘડીને જૂઠું બોલવા જેટલી એનામાં શક્તિ નહોતી. જીવરામે પોતાનું પ્રચારકામ આગળ ચલાવ્યું: “એ તો કાંઈ કારણ હશે ને નહિ માકલ્યો હોય, તે કાલે મોકલશે. આજ સામો કાળ છે ને ન મોકલ્યો હોય તો ઊલટું સારું. મને તો આવવાનો કાગળ આવ્યો ત્યારે જ થયું’તું કે આજ ન મોકલે તો સારું, પણ એ તો સાહેબલોક ! શી ખબર કાળબાળે ય જોવરાવતાં હશે કે કેમ? ને એ તો મોકલવાનું કહીને ફરી જાય એવાં છે. એમને નાતજાતની શી પડી છે? અમને એના છોકરાનું આટલું લાગે છે પણ એનું એને કાંઈ નથી ! સગાઈની ન પાડીને ઊભો રહ્યો! તો ય તને બહુ ચિંતા થતી હોય તો કાલે કાગળ લખીને પુછાવશું. ટ્રેન ઊપડી ગયા સુધી રોકાણો’તો ને?” જયંતીએ હા પાડી એટલે તેણે ફરી ચલાગ્યું: “એ તો તારે આવવાનું મોડું થયું એટલે હું સમજી જ ગયો’તો, કે રોકાવાને લીધે જ વાર લાગી હશે. નહિતર દીવાટાણાથી બહુ મોડું થતું નથી. લે ચાલ, છાનો રહી જા, કાલ કાગળ લખશું.”

રાત આખી જયંતીને દુઃસ્વપ્નો આવ્યા કર્યા. કોઈવાર તે મોહનને કળણમાં કળી જતો તરફડિયાં મારતો જોતો, તો કોઇવાર