આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હૃદયપલટો


સાધારણ કરતાં કાંઈક વધારે ઊંચી વંડીવાળા એક નવા નાના સાદા ઘરમાં ચોકમાં સાંજના ચારેક વાગે ફૉન્સેકા અને તેની પત્ની જેની ચા પીવા બેઠાં છે. બંનેએ સાદો પણ યુરોપિયન સાહેબોના જેવો પહેરવેશ પહેર્યો છે. ત્યાં તેમના નોકર ચુનિયાએ ચાની ટ્રે મૂકી અને જેનીએ બે પ્યાલા ભરી તેમાં દૂધ સાકર નાંખી ચા હલાવી. બાહ્ય તૃપ્તિથી અને આંતર રસહીનતાથી જીવનમાં જે શૂન્યતા આવે છે તેની શાંતિમાં બંને ચા પીવા માંડ્યાં. એટલામાં સખત વંટોળ ચડયો. આસપાસ ઊંચી વંડી હતી અને નીચે પાણી છાંટેલું હતું છતાં તોફાને આમના ચા ઉપર હુમલો કર્યો અને વધતાં વધતાં આંધીનું રૃપ લીધું. ધૂળવિનાની મુંબઈ પહેલી જ વાર છોડીને આ અજાણ્યા પ્રદેશમાં આવેલાં આ ક્રિશ્યન દંપતીને આ દ્રશ્ય વિચિત્ર લાગ્યું. એમને ચકિત થયેલાં જોઈને ચુનિયાએ કહ્યું  : 'સાહેબ, હવે તો આવી આંધીઓ ચડયા જ કરવાની.'