આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
દ્વિરેફની વાતો

મને ગમતું નથી હોતું ત્યારે તો તું ગાઈ કરીને અને વિશેષ તો મારી પાસે બેસીને વાતો કરીને પણ મને ઉલ્લાસમાં લાવે છે. મને ગાતાં નથી આવડતું, નથી વાતો કરતાં આવડતું, કારણકે વાતો કરું છું ત્યારે તમને ભાષણ લાગે છે, નથી મહાદેવ જેમ ઉમાને પ્રસન્ન કરવા નાચે છે તેમ નાચતાં આવડતું; હું શી રીતે તારો અણગમો કાઢું, કહે.

ધીમતી : એક સારી વાર્તા કહો.

પ્રેમકુંવર : તમે તો મુગ્ધા નહીં બાલા બની ગયાં છો!

ધર્મપ્રસાદ : વાર્તા મારી પાસે એક લખેલી પડી છે. પણ તે વાર્તાથી તો કદાચ ગમગીની વધે, એમ મને થાય છે. એનું વસ્તુ એવું કરૂણ છે.

ધીમતી : તેનો વાંધો નહીં.

પ્રેમકુંવર : ગમગીન પણ તમારી વાર્તા છે એટલે ભાભીને સારી લાગશે. વાંચો.

ધર્મપ્રસાદે વાર્તાનું મથાળું વાંચ્યું : “કોદર” અને પછી વાંચવી શરૂ કરી.

કોદર

કીલ પરમાણંદદાસનાં પત્ની ચન્દનગૌરી ગુજરી ગયાં ત્યારે એમનો બેનો પ્રેમ જાણનારા એમ જ માનતા કે પરમાણંદદાસ કદી આ આઘાતમાંથી ઊભા થઈ શકશે નહિ. પણ તેઓ તો સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હતા. સ્મશાનયાત્રામાંથી પાછા ફર્યા પછી બીજે જ દિવસે તેમણે પોતાના નોકર કોદરને બોલાવી કહ્યું : “જો કોદર, હવે આપણા શાંતિબાબુનાં આપણે જ બા થવાનું. તારે અને મારે થઈને એની બધી સંભાળ લેવાની. તું મારા કહ્યા પ્રમાણે ચાલીશ તો તેમાં કાંઈ બહુ મુશ્કેલી પડવાની નથી.”