આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દિવસ-વાર અને કલાકવાર નક્કી કરી દીધું. એ જમાનામાં અંગ્રેજોનો વખતસર અને ચોકસાઇથી કામ કરવાનો ગુણ ઘણો મોટો ગણાતો અને પરમાણંદદાસે ઘરમાં તેનો અમલ પૂરેપૂરો કર્યો.

કેટલાક માનસશાસ્ત્રીઓ આ સાંભળી કહે કે આવા ઘરમાં કોદરે બંડ કર્યું હશે, શાંતિએ તોફાન કર્યું હશે, ઘરમાંથી નાસી ગયો હશે, અથવા ચોરતાં શીખ્યો હશે, બાપને ધિક્કારતાં શીખ્યો હશે, અથવા બાપ મરી ગયા પછી તેણે તદ્દન ઊલટાં આચરણો કર્યાં હશે. પણ આમાંનું કશું જ બન્યું નહોતું. શાંતિ ઘણી જ તનદુરસ્ત અને મનદુરસ્ત સ્થિતિમાં મોટો થતો ગયો અને પરમાણંદદાસ ગુજરી ગયા પછી શું થયું તે તો મારી વાતનો મુખ્ય વિષય છે એટલે હમણાં કહેતો નથી, પણ તેમના જીવતાં તો ઘર ઘણું સારું ચાલ્યું.

પ્રચારની દ્રષ્ટિથી કહેતો નથી, અને આમ ક્યાંક લખવાથી કે એકાદ દાખલાથી કોઇ કશું માની જતું નથી, પણ પરમાણંદદાસનો આ પ્રયોગ ઘણો જ સફળ થયો. કોદર એકસાથે શાંતિની મા, તેનો મોટો ભાઇ અને ચાકર બન્યો. શાંતિ મોટો થયો ત્યારે તેણે પણ, શબ્દ પાછળની વ્યંજના પેઠે, બધા નિયમોની પાછળ રહેલી પોતાની નિ:સીમી મમતા, મૃદુતા, ઉદારતા, મુક્તિ અનુભવી અને જોકે આવી વસ્તીવાળા ઘરનો કોઇ એકમ તરીકે વિચાર કરે નહિ પણ નોકરી અને પિતાપુત્રનું આ ઘર એક આદર્શ ઘર બન્યું.

આવા નિયમબદ્ધ વ્યવહારવાળા ઘરમાં કશા જ બનાવો ન બને એ સ્વાભાવિક છે. પણ શાંતિ બી.એ. થઇ રહ્યો ત્યારે એક બનાવ બન્યો. પરમાણંદદાસના મિત્રોએ શાંતિને બારિસ્ટર બનાવવાનું કહ્યું. પરમાણંદદાસને પણ પોતાનો દીકરો બારિસ્ટર થઇ પોતાનો ધંધો હાથ કરે એવા કોડ થયા.