આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માંડયું. માલતીના મનનું સઘળું બળ અત્યારે તેના પશ્ચાત્તાપમાં આવી રહ્યું. બળવાનનો પશ્ચાત્તાપ બળવાન હોય છે. આ બીજો આવેગ પૂરો થયો ત્યારે તેણે કહ્યું : 'તમે મને કોઇ દિવસ વારી પણ કેમ નહિ?' શાંતિલાલે નરમાશથી કહ્યું : 'તને એ ન ગમે તેમાં તારો દોષ નહોતો. કોઇ પણ સ્ત્રી તેને સહન ન કરી શકે એવો એ થઇ ગયો હતો. ઘરકામમાં એટલી ડખલગીરી કોઇથી સહન ન થાય. પણ હું જાણતો હતો કે એને ના પાડીશ તો નાસી જશે. અને ઘરથી દૂર જતાં એ હિજરાઇને મરી જશે.' માલતીએ હવે સ્વર બદલાવતાં ઠપકાથી કહ્યું : 'તમે મને આટલું સમજાવી હોત તો હું તેને નિભાવી લેત.' શાંતિલાલે હવે જરા હસીને કહ્યું : 'પણ સાચું કહેજે, મેં તેને એમ પહેલાં કહ્યું હોત તો તું સાચું માનત ખરી? તને એમ જ લાગત કે માત્ર તને રાખવા ખાતર તે મરી જશે એવી ખોટી ધમકી આપું છું. કેમ ખરું કે નહિ?' માલતીએ સરળ મને ફરી શાંતિલાલના મોં પર મોં નાખી દઇ તેના ગાલ પર ભીની પાંપણ હલાવી હા પાડી.

માલતીના રસગર્ભ ચિત્તની આસપાસ તેણે ઊભું કરેલું કઠોર પડ આજે પીગળીને સરી ગયું છે એટલું બસ છે. એથી વધારે જોવાની જરૃર નથી. રસશાસ્ત્રીઓ માનતા હશે કે કરુણા કે વિષાદ શૃંગારનો વિરોધી ભાવ છે; પણ આપણા સાચા જગતમાં આ પરિસ્થિતિ કામદેવને જરા પણ ઓછી ગોચર નથી હોતી.

ઉપરનો બનાવ બન્યાને દોઢેક વરસ વીત્યા પછી માલતી પિયેરથી એક સુંદર પુત્રને લઇને આવી. સૂતેલા છોકરાને જોઇ શાંતિએ માલતીને કહ્યું : 'આનું નામ શું પાડશું?'

માલતીએ શાંતિના ખભા ઉપર મોં નાખી દઇ, છુપાવી કહ્યું : ' ક ઉપર કોઇ પણ નામ પાડો.'