આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'નૉર્મલ કેસ હશે તો વાંધો નહિ આવે.પણ કાંઈ ઍબનૉર્મલ હોય તો ડૉક્ટરની જરૃર પડે.' આ જવાબ ફૉન્સેકાએ પૂરેપૂરો સાંભળ્યો પણ નહિ અને સાંભળત તો તે સમજી પણ ન શકત. આંખો દુ : ખમાં મીંચી દઈ, કપાળ પરના વાળનો જોરથી બાચકો ભરી, તેણે પાછું ચૉકમાં અનિયમિત ફરવા માંડયું.

થોડી વાર તે ફર્યો હશે એટલામાં નર્સ આવી અને ફૉન્સેકાને કહ્યું કે બાળક આડું છે. ખાસ હોંશિયાર ડૉક્ટરની જરૃર છે. તમે એકદમ બોલાવો. બાઈને અસહ્ય દરદ થાય છે. સાધારણ રીતે ગામમાં કોઈ ડૉક્ટર રહેતો નહોતો. પણ આજે એક આવ્યો હતો. ગુલાબભાઈ દેસાઈની દીકરીનાં આજે લગ્ન હતાં અને તેમના વેવાઈ ડૉક્ટર હતા. પણ તે આવશે કે નહિ તે કહેવું મુશ્કેલ હતું. ગુલાબભાઈ મહેસૂલ ન ભરવાની હિલચાલના સ્થાનિક નેતા હતા. સ્વભાવે ઉગ્ર હતા અને આખા ગામમાં તેમની રાડ ફાટતી. ફૉન્સેકા પહેલાં તો તેમને એકદમ તેડી લાવવાના વિચારથી બારણા તરફ દોડયો, પણ પછી, કોઈએ બાંધેલા દોરડાથી પાછો ખેંચ્યો હોય એમ, એકદમ પાછો વળ્યો. આજ સુધી ગામના એક પણ માણસને તે મળ્યો નહોતો, ગુલાબભાઈને પણ મળ્યો નહોતો, સર્વને તે પોતાના શત્રુ સમજતો. તે શી રીતે અત્યારે બોલાવવા જાય ! તે પાછો ફરી ખુરશી પર માથું નાખી પડયો. દીન વદને તેણે નર્સને કહ્યું  : 'તમે એક ધંધાનાં છો, એટલે તમારું માનશે.'

પાસે પેલો ચુનિયો નોકર હતો તે બોલ્યો  : 'અબ્દુલ ઘાંચીને કહો તો બોલાવી લાવું.'

આપણા દેશની પ્રાચીન શક્તિ, આવડત, વિદ્યા, કલા, કૌશલની અનેક વિભૂતિઓ હજી ગામોમાં છૂટીછવાઈ પડેલી હોય છે.