આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭
મેહફિલે ફેસાનેગુયાન : બે મિત્રોની વાર્તા

ધનુભાઈ : એમ કહેશો ત્યારે જોઈ લેવાશે. અને સ્વરૂપ બદલાવીને મારે બગાડવું જ હોય એમ કેમ ન બને ?

મેં કહ્યું : એક વાર વાંચો પછી જોઈ લેવાશે કે એવો બચાવ કેવોક ચાલે છે.

ધનુભાઈ : ભલે ત્યારે, અને હું વાંચું તે દરમિયાન પણ કોઈ બોલે નહિ.

ધીરુબહેન : ભલે ! ચાલો વાંચો.

ધનુભાઈએ વાર્તા વાંચવી શરૂ કરી.

બે મિત્રોની વાર્તા

મારી વાર્તા આધુનિક સમયની છે એમ બતાવવા વાર્તાનું સ્થળ હું શહેરમાં મૂકું છું. કારણકે ગુજરાતમાં ગામડાંમાં તો અત્યારે જૂની અને નવી બન્ને સંસ્કૃતિનો માત્ર કચરો જ ભેગો થાય છે. ત્યાં સાચી આધુનિક મિત્રતા પાકી શકે નહિ. અને સાચી મિત્રતા જેઓ જીવનમાં ખૂબ ખેલતા હોય તેમનામાં જ હોઈ શકે, પેલી જૂની વાર્તામાં પણ બન્ને જુવાનો લડાયક ક્ષત્રિયો હતા, માટે મારી વાર્તામાં પણ ‘બે મિત્રો’ ગાંધીજીની લડતમાં ભાગ લેનારા જીવનના જંગ ખેલેલા જુવાનો હું કલ્પું છું. અને વાત સાચી જ બની શકે એવી છે એમ બતાવવા તેને તમારી પાસે બનતી જ નિરૂપું છું.

મારી વાતનું પહેલું દૃશ્ય ગુજરાતના, અમદાવાદને પહેલા નંબરનું શહેર ગણો તો તે રીતે ત્રીજા નંબરનું ગણાય તેવા એક શહેરની હોટલમાં આવે છે. અસહકારને લીધે કેટલાંક ગામડાંએ તો ચાની હોટલો પણ બંધ કરાવી હતી પણ મારાં પાત્રો એવાં અત્યાગ્રહી નથી. હોટલમાં પણ શરમાયા વિના