આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગુલાબભાઈને મહાત્માજીનો અહિંસાનો સિદ્ધાંત કાર્યમાં પાળવાની ચીવટ હતી. અને તે સાથે જગતની નજરે સરકારના પક્ષકાર થઇ જમીન લેનાર ક્રિશ્ચિયનને નૈતિક મહાત આપવાની ઇચ્છા પણ હતી. 'પણ મારી પાસે અહીં કશાં સાધનો નથી.' ડૉક્ટરે કહ્યું,

'જે ગમે તેમ હોય પણ તમે જાઓ અને જે થઇ શકે તે કરો. બાઇને બચાવો.' ડૉક્ટર માથે ટોપી નાખી હાથમાં લાકડી લઈ ચાલ્યા. ડૉક્ટર પહોંચે તે પહેલાં અબ્દુલ પહોંચ્યો હતો. કંઈક અપરિચયથી ફોન્સેકા અબ્દુલને આવકારનો શબ્દ સુદ્ધાં કહી શક્યો નહિ. પણ અબ્દુલે પોતાના સ્વભાવની સરળતાથી કહ્યું  : 'હાથ ધોવા પાણી લાવો. ધૂપ કરવા દેવતા લાવો.' ચુનિયાએ પાણી આપ્યું તેનાથી હાથ ધોયા, પછી દેવતા પર સાથે પડીકીમાં આણેલો લોબાન નાખી ધૂપ કર્યો. તે પર હાથ ધરી કાંઈક બોલ્યો, હાથ આંખોએ અડાડયા. પછી સાથે આણેલો પાટો તેણે ધૂપ પર ધર્યો. અને ચુનિયા પાસે આંખે પાટો બંધાવ્યો. 'હવે મને બાઈના ઓરડામાં લઈ જાઓ.'

પ્રસૂતિના ઓરડામાં જતાં જ તેણે કહ્યું  : 'નહિ હોં માઈ ! તું તો મારી બહેન થાય. ગભરાઈશ નહિ. આંખો જરા વાર મીંચી જા અને હું કહું તેમ કરજે બહેન !' તેના મુખ પર ઓપરેશન કરનારની ચપળતા નહોતી પણ ધર્મક્રિયા કરનારની ગંભીરતા હતી, તેનું મોં અને આંખ ઉપરનો પાટો-એ પાટો ગાંધારીએ જીવનભર રાખેલા પાટાથી ઓછો પવિત્ર નહોતો -જોઈ આ ક્રિશ્ચિયન બાઈને શ્રધ્ધા થઈ. તેણે આંખો મીંચી દીધી.