અને એ સ્થિતિનું ભયંકરમાં ભયંકર માનસવિકૃતિનું પરિણામ કલ્પાયું છે. આ પરિણામની ભયંકરતાનું એક બીજું પણ કારણ છે. માણસને માણસનું કામ પડે છે, માણસ માણસ સાથે અનેક કારણોથી સંસર્ગમાં આવે છે, પણ તે બધામાં માણસ જો બીજા માણસનો માત્ર સાધન પૂરતો જ ઉપયોગ કરવાની વૃત્તિ રાખે, તો માણસ માણસ વચ્ચેના પ્રેમ સંબંધની શક્યતા જતી રહે, અને પ્રેમસંબંધનો બહિષ્કાર એ હરકોઈ વૃત્તિને રાક્ષસીમાં રાક્ષસી બનાવનાર બળ છે.
આ વાર્તાની શૈલી પણ ક્યાંક ક્ચાંક બદલાયેલ છે. કેટલીક વાર્તાએ પોતે જ દૃશ્ય શૈલી માગી લીધી છે ત્યાં તે આવવા દીધી છે. ‘દેવી કે રાક્ષસી’ ‘કુલાંગાર’ અને મેહેફિલે ફેસાનેગુયાનની ચોથી સભાની ‘બે મિત્રોની વાર્તા’ આ શૈલીમાં રચાઈ છે. લેખકને પોતાને તેના પ્રયોગ વિશે અમુક કલ્પના છે પણ તે સંબંધી કંઈ અહીં કહેવું અપ્રાસંગિક ગણાય.
‘કુલાંગાર’ની વાત ‘પ્રસ્થાન’ના અસ્પૃશ્યતાનિવારણ અંકમાં પ્રગટ થયેલી હતી અને તે વિશે તેમાં ‘બે બોલ’ લખેલા તે અહીં ઉતારવા અસ્થાને નહિ ગણાય.
"આ કિસ્સો અસ્પૃશ્યતા અંક સાથે પ્રસિદ્ધ કરતાં થોડા ખુલાસાની જરૂર છે. એ દસેક વર્ષ ઉપર આ સ્વરૂપે મનમાં ઘડાયો હતો. અસ્પૃશ્યતા તે વખતે તેનો મુખ્ય વિષય નહોતો, અત્યારે પણ નથી. તેના મુખ્ય વિષય કંઈક અંશે નાતનું હાલનું માનસ, જેના વડે નાતનો એક સમાજ તરીકે અત્યારે નિર્વાહ થાય છે, તે સ્ફુટ કરવાનો છે. અને એમ કરવા નાતની શ્રેણીમાં ઉત્તમતાને છેડે આવેલ એક બ્રાહ્મણનાત (અલબત્ત કલ્પિત) લીધી છે. તેના માનસને આઘાત થવાથી, તે ઊંડાણમાંથી ડહોળાય છે અને તેનો મેલ બધો ઉપર આવે છે એ