આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આમ ને આમ ત્રણ વરસ ચાલ્યાં ગયાં. દરેક વરસે તે વધુ જમીન ભાડે લેતો અને તેમાં વાવેતર કરતો. દિવસે દિવસે તેની પાસે પૈસો ભેગો થવા લાગ્યો. થોડે વખત તેને નિરાંત વળી પણ પછી જમીન ભાડે લેવાનો તેને કંટાળો ઉપજવા લાગ્યો.

જો કોઈ જમીન વેચતું તો બધાએ ત્યાં દોડી જતા, અને એકદમ ખરીદી લેતા. તેથી પટેલનો લાગ ફાવતો નહિ. આખરે તેણે એક વેપારી સાથે ભાગ રાખી એક વાડી ખરીદી અને તેમાં વાવેતર કર્યું. પણ જ્યારે ભાગ પાડવાનો વખત આવ્યો, ત્યારે કજીયો થયો. પટેલે વિચાર્યું, કે “આ જમીન મારા એકલાની હોય તો કેવું સારૂં ! મારે કોઈના એશિયાળા રહેવું ન પડે.” આથી તે જમીન લેવાની તજવીજમાં રહેવા લાગ્યો.

એક દિવસ તેને ખબર મળ્યા કે કોઈ ખેડૂત મુશ્કેલીમાં હોવાથી પોતાની ૧૫૦૦ એકર જેટલી જમીન બહુ સોંઘામાં વેચી નાંખે છે. એકદમ પેલા ખેડૂત પાસે ગયો અને કાંધા કરી જમીન લખાવી લીધી. પ્રેમા પટેલનાં મનનું ધાર્યું થયું અને તેને ટાઢક વળી.

એવામાં કોઈ એક વેપારી મુસાફર તે ગામમાં આવી ચઢ્યો, તે પ્રેમા પટેલને ત્યાંજ ઉતર્યો એટલે બંને વાતો કરવા બેઠા. પટેલે પૂછ્યું, “તમે ક્યાંથી આવો છો ?” તે વેપારીએ કહ્યું કે “હું એવી જગ્યાએથી આવું છું કે જ્યાંના લોકો તદ્દન ભોળા અને ભલા છે. ત્યાં જમીન પાણીને મોલે વેચાય છે, મેં હજુ હમણાંજ એક હજાર રૂપિયામાં પાંચ હજાર એકર જેટલી જમીન લીધી.”

આ સાંભળી પટેલનું મન પાણીપાણી થઈ ગયું. તેણે પૂછ્યું કે “તમે તે જમીન શી રીતે ખરીદી ?” વેપારીએ જવાબ આપ્યો: “પહેલાં તો મુખીને વીસ પચીસ રૂપિયાની કિમ્મતનાં કપડાં વિગેરે