આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪

કાંતનારાં (પા. ૩૩) : આમાં એક પૌત્રી (પોતરી) અને એક દાદી, બે કંગાલ પાત્રો વચ્ચેનો મધ્યરાત્રિ વેળાએ રેંટીઆની મજૂરી કરતે કરતે થયેલો વાર્તાલાપ છે. અંતર પુરાયલાં હતાં=અભેદ વ્યાપી રહ્યો હતો, કેમકે કંગાલીઅતે બેઉની હાડપીંજરવત્ સ્થિતિ કરી નાખી હતી.

‘અહીં કાંતું, તહીં કોને... = દેહદૌર્બલ્ય અને રાત્રિના થાકને કારણે તૂટી જવા લાગેલા કાંતણ–તાર, કોઈ દ્વેષી હરીફ સ્ત્રીની નજર લાગતાં તૂટતા હોય, ને અહીં કાંતેલા સૂતરની છલોછલ કોકડી (શગ) એ કોઈ બીજીને રેટિયે ચડતી હોય તેવો વહેમ. ‘નક્કી આ પૂણીના રૂની ગોઝારી.. '= ત્યાં પણ એવી જ એક લોકમાન્યતા સૂચવાઈ છે : આ પૂણી બરાબર ન કંતાવાનું કારણ, તેનું રૂ જ્યાં ઊગેલ હશે તે ખેતરની ધરતી પૂર્વે કોઈક નિર્દોષોની હત્યાઓમાંથી રેડાયેલાં રુધિરે ભીંજાઈ હશે તે હોવાનું એ યુવતી માને છે.

આમાં થોડા માત્રામેળના ભંગો છે તે આ મુજબ સુધારવા
અંતર પુરાયલાં હતાં = અંબાયાં અંતરો હતાં
જીવનમૃત્યુની પૂણીઓ = પૂણી જીવનમૃત્યુની
તોપના ગલોલા = ગોળલા તોપના
વરસિયા હશે ત્યાં = વરસિયા ત્યાં હશે
સીંચતાં હતાં જ્યાં અમીનાં દૂધલાં = સીંચતાં જ્યાં હતાં થાનથી દૂધલાં
રહેલી ધરામાં વાવિયાં હશે બી = રહેલી ધરામાં હશે વાવિયાં બી
અહીં કો વાંઝણી = કો અહીં વાંઝણી
મચ્યા'તા કેર = કેર મચ્યા હતા
ચિતાઓ ત્યાં બધે = ત્યાં ચિતાઓ બધે