આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯

(કવિતાકારોમાં તો હોય પણ ક્યાંથી !) તે હકીકત આજની ઊછીતી લીધેલી કવિ–ખીજને પણ વધુ કરુણ કરી મૂકે છે. આપણે ઘણા ખરા એના ભોગ બન્યા છીએ. પણ પ્રયોગદશામાં સાચદિલીથી પગ ઠેરવતા ઠેરવતા, ઠોકરો ખાતા ને લપટતા લોહીલુહાણ થતા આપણે નવા પંથો ખેડીએ છીએ. સ્વરૂપોની નવીનતા જે મુગ્ધદશા શરુમાં જન્માવે છે તે ઝાઝો કાળ ટકતી નથી. આપણે આપણા મહિમાની કલગીઓ માનેલી કઢંગાઈઓ અને ખૂબીઓ માનેલી ખામીઓ 'ધણીને દ્વાર' પહોંચતાં સુધીમાં તો આપોઆપ ખરી પડશે: 'તે દિ’ શબદ લય પામશે, હોશે આપોઆપ ઉજાસ, ચલ મન શબદને વેપાર જી !'

રૂચિભેદને કારણે

પણ પ્રત્યેક પીડિતગીતમાંથી પ્રધાનપણે પીડિતપણાની સ્થિતિ પ્રતિ હૃદય દ્રવીભૂત બને ને તે પછી જ અન્ય રસ નીપજે એવી રચના હોવી જોઈએ, એવું કેટલાક મિત્રોનું વિધાન માન્ય રાખી શકાય નહિ. પ્રત્યેક ગીતને કે કાવ્યને પોતાના વિષય પૂરતી જ રસ–નિષ્પત્તિ કરવાનું કર્તવ્ય છે. એ રસ વીર હોય, રૌદ્ર હોય, બિભત્સ પણ હોય, કરુણ હોય કે ન પણ હોય. અલબત્ત, આ બધા રસોની જમાવટ પણ રેઢી નથી જ પડી. એ પણ કવિતાકારના ઊર્મિતંત્રની ઉચ્ચ મનોભૂને માગી જ લે છે. એટલે અમૂક ગીતમાં અમૂક જે રસનું સંવેદન મૂકવાનો ઉદ્દેશ હોય તે ઉદ્દેશ જો ફળીભૂત ન થયો હોય તો જ એ ગીતને દોષ દઈએ; એમાં જે મૂકવાનો સંકલ્પ જ નહોતો તેનો અભાવ એ એનો દોષ ન કહેવાય. રૂચિભેદને કારણે કોઈને 'કરાલ કાલ જાગે’ અથવા 'કોદાળી વાળો’ કરતાં 'ખેડુ સ્ત્રીનું સંધ્યાગીત’ વિશેષ ગમે, તો અનેક પ્રેમીજનોને ‘યુગવંદના’નાં પીડિતગીતોમાં વિલસતો પ્રાણ આ 'એકતારા’માં બુઢ્ઢો બન્યો લાગશે.