આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪


આ કૃતિએ, તેમજ ઠક્કર બાપાની એકોતેરમી જન્મજયંતીને સમયે 'અણવંચાએલા અગમ સંદેશા' ઉકેલતી કવિતા મારા પ્રાણપટને પહોળો, વધુ વધુ ને વધુ પહોળો કરે છે. થીજેલું કંઈક અંદરખાને દ્રવવા ને વહવા લાગે છે. પુરાતન કાળની સમાધિઓના ટીંબા ઊઘડે છે, કબરો ખુલે છે, મશાલો જલી ઊઠે છે, જતિઓ ને સતિઓનાં કાળનિદ્રામાં પોઢેલાં વૃંદો જાગે છે, સૂતેલાંની સોડ્યો સળવળે છે. પત્થરોનાં પડો ધ્રુજે છે−ને એ સર્વ લાગણીઓનું સંવેદન અકળ−ગમને સુકલિત તેમજ સુગોચર બનાવે છે.

મારી કાવ્યકૃતિઓની પ્રાર્શ્વભૂ મને આ રીતે સમજાઈ છે. લંબાણભય બીજી કવિતાઓ વિષે કશું કહેવા દેતો રોકે છે. એક જ કાવ્યસ્વરૂપમાં ઝકડાઈ રહેવાને બદલે નૂતન પ્રયોગો કર્યા કરવાની વૃત્તિ જોર કરતી હોઈને સર્જનમાં વિપૂલતા આણવાનું અશક્ય છે, પણ તો તેથી ગુજરાતી સાહિત્યને કશું નુકસાન નથી. 'ઊછી ઉધારા અરક લઈ માંહે ભેળે તેલ ધુપેલ' એવી કવિદશામાંથી ગુજરાતના કવિતાકારો બચેલા રહે, ભલે તેઓ અલ્પ જ સર્જે, અને નાની મોટી પોતાની સર્વ રચનાઓ પરત્વે એમની−ને મારા જેવા અલ્પની−આ એક જ શ્રદ્ધા સ્થિર બને કે:

હૈડા કેરી ધારણે તારે ઉર ઊઠે જે સૂર જી
એ જ સૂરોના ઈમાની ભાઈ ! ગાયા કર ચકચૂર
જી−જી− શબદના વેપાર.

“And above all, to thine own self be true.' એ શેક્સ્પીઅર−વાક્યમાં ગૂજતું એ 'ઈમાન' જ આપણું હો, બાકીનું બધુંજ માલિકને ચરણે.

બોટાદ
તા. ૨૯:૯:'૪૦
ઝવેરચંદ મેઘાણી
}