આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૮]
:એકતારો:
 


દૂબળાની નારી
Ο

તાપીના તીર તણી ગરવી ગુજરાતણ
દીઠી મેં દૂબળાની નારી
દીઠી ગુજરાતની દુલારી .... રે
આજ દીઠી એ દૂબળાની નારી.

પાતળિયા દેહ પરે પૂરી નવ ચૂંદડી,
કાયાની કાંબડી કાળી;
શ્રમનાં ગૌરવ કેરી ટશરો ટપકાવતી
લાલ લાલ લોચનિયાં વાળી :

સળગતા આભ હેઠ સબકારે ચાલતી,
દીઠી ગુજરાતની દુલારી
શોધી આપોજી મને એ રે સંઘેડિયો,
જેણે આ પૂતળી ઉતારી–દીઠી૦ ૧.

આષાઢી મેઘ અને થોડી શી વીજળી
લઈને બેઠેલ હશે બ્રહ્મા;
ભૂલકણા દેવ તમે પંખીડું વીસરી
ઘડી કેમ માનવની કન્યા !