આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૬]
:એકતારો:
 

“અમારે નસીબે નો'તાં તમ સમાં આયખાં રે,
“અમારી અધૂરી ધોણ્યું, તમે ઊજળાવો રે;
“અમારા નીલુડા નેજા તમ શિરે શોભજો ને
“અમારા ઘોડીલા બાપા ! જુગતે ખેલાવો રે” ૫.

બીજે ને સંદેશે પાણા ધ્રુજે છે પરબના ને
સળવળે સોડ્યું, બોલે દેવીદાસ બાવો રે;
“અમારાં લુયેલાં બાકી પરૂ પાસ લૂતા બાપા
“અમારી અકાશી–ઝોળી એને જૈ ભળાવો રે” ૬.

ત્રીજે ને સંદેશે કોટિ વધસ્થંભ ડોલતા રે,
જખમી જીસુની ઝાઝી સલામો સુણાવો રે:
“અમારે ઉધારણ—પંથે દુકાનું મંડાણી બાપા !
“અમારી કલેજા–જાળો તમે ઓલવાવો રે”. ૭.

ચોથે ને સંદેશે કાંપે હિમાળાની કંદરો ને
शिवोऽहं પોકારી શંભુ ઉચારે ઋચાઓ રે:
“અમારી ઝીલેલી ગંગા રુંધાઈ રહી’તી બાપા !
“વહાવણહારાં કેરાં ડમરૂ બજાવો રે” ૮.