પૃષ્ઠ:Englandni Musafarinu Varnan.pdf/૧૨૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૦ મુ.

ઈ.સ. ૧૮૬૧ના માર્ચ મહિનાની ૮મી તારીખે રાત્રે દશ કલાકે હું પારિસમાં દાખલ થયો. શહેરસુધારાના ખરચને કાજે કેટલાક માલ ઉપર શહેરમાં પેસતાં જકાત લે છે. એ જકાત લેનારાઓએ મારી તથા મારી સાથે આવેલા સઘળા ઉતારૂઓની પેટીઓ ઉઘાડીને જોઈ. મારી સિરોઈ જોઈને અજબ થયા. મારા એક સાથીએ ફ્રેંચભાષામાં તેમને કહ્યું કે, એમાં પાણી છે. તેઓએ પહેલું તો ન માન્યું, ને કહ્યું કે પાણી લાવવાનું શું કામ છે, પારિસમાં બહુ પાણી છે. તેમાંના એકની હથેળીમાં મેં પાણી રેડ્યું તે તેણે ચાખ્યું ત્યારે માન્યું, પણ તેમનું અચરજ ઓછું થયું નહીં. ફ્રેંચ ભાષા બોલતાં આવડે નહીં, માટે લંડનથી જ એક મિત્ર પાસે નોટબુક ઉપર પારિસની એક અંગ્રેજી બોલનારા હોય એવી સારી હોટલનું નામ લખાવી લીધું હતું; તેનું નામ "હોટેલ ડિ લિલિ એન્ડ આલબીઓન". સ્ટેશન પાસે ભાડાની બગીઓ હતી ત્યાં જઈ એક બગીવાળાને તે દેખાડ્યું. વાંચી તેણે અમારો સામાન બગીમાં મૂકી અમને પણ બેસાડી લીધા. બધું કામ ઇશારતે ચાલ્યું. થોડી મિનિટમાં તે હોટેલમાં પહોંચાડ્યા. આંગણામાં પેઠા એટલે હોટેલના બે આદમીએ આવી ગાડીનાં બારણાં ઉઘાડ્યાં, ને મારો સામાન ઉપાડ્યો. બગીમાંથી ઉતરી તેના કહેવા પ્રમાણે બગીનું ભાડું આપ્યું. ભાગાટુટા અંગ્રેજીમાં તેણે અમારૂં નામ તેમના રજિસ્ટરમાં લખવાનું કહ્યું, ને સુવા બેસવાના ઓરડા બતાવ્યા. સુવાનો પલંગ, તળાઈ વગેરે બહુ જ સરસ હતાં. બેસવાના ઓરડાનાં શા વખાણ કરું ! કાચનાં બારણાંવાળાં કબાટ, આરસીઓ, ચિત્ર, સુંદર ગલીચા, ગાદીવાળા કોચ, તકીઆ, રૂપાળી ખુરશીઓ, ટેબલ વગેરે જે જોઈએ તે હતું. મારી પાસે જેમના ઉપર ભલામણપત્રો હતા તેમને બીજે દિવસે મળવા ગયો. ઑક્સફોર્ડના સંસ્કૃત વિદ્યાગુરૂ માનીએર ઉવીલ્યમ્સ સાહેબે પારિસના એક સંસ્કૃત ભણેલા,