પૃષ્ઠ:Englandni Musafarinu Varnan.pdf/૧૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તથા એક હિંદુસ્તાની ને ફારસી ભણેલા પંડિતો ઉપર પત્રો આપ્યા હતા તેમને મળ્યો. એ સંસ્કૃત વિદ્વાનનું નામ અ. રેગનીરી અને હિંદુસ્તાની પંડિતનું નામ ગારસિન ડિ તાસી. અંગ્રેજીમાં જેમ સદ્‍ગૃહસ્થોના નામને મિસ્તર લગાડે છે, તેમ ફ્રાંસીસ અથવા ફ્રેંચમેનના નામને મસ્યુર લગાડાય છે. એ બંને સાહેબે મારા ઉપર ઘણી મહેરબાની કરી. તેઓનાં ભાષણો સાંભળવા મને તેડી ગયા, તથા તેઓના મિત્રો સાથે ઓળખાણ કરાવ્યું. ઇન્સ્ટિટ્યુટ ડિ ફ્રાંસ નામે સભા છે, તેના પ્રમુખ મુ. જુલીસ મોહલ જોડે મુલાકાત કરાવી, તે સારા ખપમાં આવી. એણે મારા ઉપર ઘણી માયા કરી, પોતાના કુટુંબ જોડે ઓળખાણ કરાવ્યું, તથા પારિસમાં રહ્યો તેટલા દિવસમાં ઘણીવાર મને પોતાને ઘેર તેડતો. એક સાંજના પારિસના થોડાક મુખ્ય પંડિતોને પોતાને ઘેર તેડ્યા, ને મને તેમની જોડે મેળવ્યો. તેમાંના જેને અંગ્રેજી બોલતાં આવડતું હતું તેમની સાથે હું વાત કરી શક્યો. તેઓમાં એક રૂશીઅન પંડિત પણ હતો. તે અંગ્રેજી બહુ સારું બોલતો હતો. તે પંડિતોની સ્ત્રીઓ પણ આવી હતી. તે રાત્રે મને ઘણો આનંદ થયો. જો હું ફ્રેંચભાષા સમજતો હોત તો વધારે ખુશી થાત.

ઇન્સ્ટિટ્યુટ ડિ ફ્રાંસ નામે એક પ્રસિદ્ધ અને વખણાએલી મહાવિદ્વાનોની મંડળી પારિસમાં છે. તેમનું મકાન મોટા મહેલ જેવું છે. એક ભાગમાં ગ્રંથોનો સંગ્રહ છે. લાખો પુસ્તકો, પ્રાચીન અર્વાચીન લેખો, નકશા વગેરે ભરેલા છે; ને નવા ગ્રંથો પ્રગટ થાય છે તે ઉમેરાતા જાય છે. જે ઓરડામાં સભા ભરાય છે તે શોભિતો કરેલો છે. બેસવાને સારુ મખમલ જડેલાં બાજઠો તથા ખુરશીઓ છે. એ સભા આખા યુરોપમાં બહુ માન પામે છે. એના સભાસદ થવું એ મોટી આબરૂ ગણાય છે. વિદ્યા હુન્નરની શોધ કરવાથી, સારા ગ્રંથો રચવાથી અથવા જ્ઞાની હોયાથીજ એ સભામાં પેસાય છે. દરેક સભાસદને ફ્રાન્સના રાજ્ય તરફથી પગાર મળે છે. સભાસદો જેને ઠરાવે તે જ દાખલ થઈ શકે છે. પરદેશના વિદ્વાનોને