પૃષ્ઠ:Englandni Musafarinu Varnan.pdf/૧૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણ આબરૂને સારૂ સભાસદો કરે છે. મુકરર વખતે હંમેશ સભા ભરાય છે. તે વેળા કોઈ નવી શોધ વિશે કોઈએ લખી મોકલ્યું હોય તે, અને આ સભામાંથી કોઈ લખી લાવ્યું હોય તે વંચાય છે, અથવા કોઈને મોઢે કહેવું હોય તો તે કહી સંભળાવે. પછી તે વિશે ઘણા જ વિવેકથી વાદવિવાદ કરે છે. આપણા શાસ્ત્રીઓની સભા થાય છે તેવી આ ન સમજવી. કોઈનું માન ભંગ કરવું, જીત્યા કહેવડાવવું, પંડિતપણાનું ડોળ દેખાડવું, લઢી ઉઠવું, આગળ બેસવાને ધસારો કરવો, એક એક ઉપર પડવું, બૂમો પાડવી, વગેરે જે આપણા પંડિતોની સભામાં જંગલી ને શરમ ભરેલા બનાવ બને છે તેવા અહીં નથી બનતા. અહીં તો શાણા વિચારવંત મહાપુરૂષો એકઠા મળી એક એકના વિચાર સાંભળે છે, પોતપોતાના મત જાહેર કરે છે, નોંધી લેવા લાયક હોય તો નોટબુકમાં લખી લે છે. અરસપરસ જ્ઞાન આપે છે ને લે છે. એ લોકની વાતચીતમાં સાધારણ ભણેલાને તો સમજણ ન પડે. હું પારિસમાં હતો ત્યારે એક વાર એ મંડળીની બેઠક થઈ હતી, ને હું તેના પ્રમુખ જોડે તે જોવા ગયો હતો. સભાનું કામ આરંભ થયા પહેલાં પ્રમુખ સાહેબે મને કેટલાએક ફ્રેંચ વિદ્વાનોનું ઓળખાણ કરાવ્યું. ગીઝો નામે મહાપંડિત તથા ફ્રાંસના મરહુમ પાદશાહ લુઈફિલિપના મુખ્ય પ્રધાન જોડે મારે સૌથી વધારે વાતચીત થઈ, કેમકે તેને અંગ્રેજી બોલતાં ઠીક આવડે છે. સભાસદો આવી રહ્યા, એટલે મુ. મોહલ પ્રમુખસ્થાને બિરાજ્યા. મહા વિદ્વાન પરદેશી એ સભામાં આવે છે ત્યારે તેને પ્રમુખની પાસે ખુરશી આપે છે. એ મોટું માન ગણાય છે. મેં ત્યાં બેસવાની ના કહી, કેમકે મેં કહ્યું, હું કાંઈ વિદ્વાન નથી. એ મહાપુરૂષોની સભામાં બેઠાથી હું તે દિવસે કૃતાર્થ થયો. મને તેમની ભાષા બોલતાં આવડતી હોત તો કેવું સારું થાત ! ગીઝો સાહેબે પારિસની પાઠશાળાઓ, તથા ફ્રાન્સની નિશાળો દેખાડવાનું કહ્યું, પણ મેં આગબોટની ચીઠી કરાવી હતી, તેથી દિલગીર થયો કે, પારિસમાં વધારે રહેવાઈ શકાયું નહીં !