પૃષ્ઠ:Englandni Musafarinu Varnan.pdf/૧૩૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પારિસમાં હું આઠ દહાડા રહ્યો. તેમાં ખાવાના તથા ઉંઘવાના વખત સિવાય જરાએ પગવાળીને બેઠો નથી, ફર ફર કર્યા કીધું. પારિસ સુંદરપણામાં, તથા શોભાયમાન બાંધણીમાં લંડનથી ઘણું ચઢતું છે. એવું કહેવાય છે કે આખી પૃથ્વી ઉપર એના જેવી શોભા બીજા કોઈ શહેરમાં નથી. હાલ વસ્તી આશરે પંદર લાખની ગણાય છે. યુરોપના ધનવાન લોકોને મોજ ભોગવવી હોય છે ત્યારે પારિસ આવીને રહે છે. ત્યાં સારો મઝાનો તડકો પડે છે, ટાઢનું દુઃખ નથી, ઉદ્યોગ ઘણો છે, પણ લોકો મોજી ઘણા છે, તેથી જ્યાં જોઈએ ત્યાં આનંદ થતો દેખાય છે. કારખાનાં અને જમવાની દુકાનો ઠેર ઠેર છે. શહેરની રચનામાં કાંઈ કસર નથી, જે જોઈએ તે સાનંદાશ્ચર્ય પમાડે છે. પહેલાં તો ધોરી રસ્તા જોઈને ખુશી થઈ જઈએ છીએ. ચાર ગાડીઓ બીનહરકતે જોડે દોડે એટલા પહોળા માર્ગો પથ્થરના બાંધેલા છે. ઘોડા તથા ગાડીઓને માટે રસ્તો વચમાં રાખ્યો છે; તેની બંને બાજુએ ઝાડો ખીલી રહ્યાં છે. બન્ને બાજુએ ઝાડો અને ઘરોની વચ્ચે પગે ચાલનાર લોકને સારૂં પહોળા રસ્તા છે. ઘરને તળીએ સુંદર દુકાનો કાડેલી છે. સુંદર રંગેલા તથા કારીગરીથી શોભિતાં ઊંચાં મકાન સામસામે આવી રહ્યાં છે.

“સપ્ત ભૂમિના ભવન તે ભાસે, જોતાં ભૂખ તરશ તે નાસે; બહુ કળશ ધજાઓ બિરાજે, જોતાં અમરાપુરી તો લાજે. શોભે છજાં ઝરૂખાં ને માળ, મણીમય થંભ ઝાકઝમાળ; વાંકિ બારી ને ગોખે જાળી, નિલા કાચ મુક્યા છે ઢાળી. લીંપી ભીંતે સોનાની ગાર, ચળકે કામ તે મીનાકાર; ભલાં ચૌટાં શેરી ને પોળ, સામાસામી હાટની ઓળ. ઘેર ઘેર તે વાટિકા કુંજ, કરે ભ્રમર તે ગુંજાગુંજ; થાય ગાનના ઘોષ તે કાળે, રસ જામ્યો વાજિંત્રને તાળે. શકે અવાસ અડશે વ્યોમ, જાણે વૈકુંઠ આણ્યું ભોમ.”

એ રીતે કવિ પ્રેમાનંદ ભટ્ટે દ્વારિકાનું વર્ણન કર્યું છે. જો તેણે હાલનું પારિસ શહેર જોયું હોત તો દ્વારિકાને એથી વધારે સારી