પૃષ્ઠ:Englandni Musafarinu Varnan.pdf/૧૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બનાવત તથા તેને વૈકુંઠને બદલે પારિસની ઉપમા આપત. પારિસની શોભા અને પારિસની મઝાથી ભૂખ અને તરસ થોડી વાર લગી ખરેખાત વિસરી જવાય છે. એ નગરનું ખરેખરું બ્યાન કરવાને પ્રેમાનંદ સરખા પુરુષોની જ શક્તિ પહોંચે. બધા મુસાફરો, મિત્ર અને શત્રુ સર્વે, કહે છે કે, પારિસ અતુલ્ય છે. આપણા કવિએ કલ્પના કરી છે તે કરતાં સરસ મેં નજરે દીઠું. સીન નદી શહેરની વચમાં વહી ખૂબ બહાર આપે છે. અંગ્રેજી બોલનાર ભુમિયાને લઈને આઠ દહાડા સુધી આખા શહેરમાં હું ફર્યો. કોઈ વાર તો રાત્રે બાર વાગે મુકામે આવતો. મેં પેહેલે દહાડે શહેરના ધોરી રસ્તા, શીન નદીના પૂલો, નાત્રદામ નામે મંદિર, તથા બીજાં કેટલાંક સુંદર દેવળો જોયાં. એ દેવળોને માંહેથી શણગારેલાં છે, તે જોઈને મને બહુ અચંબો થયો. મેં જે દેવળો જોયાં તે કાથલિક પંથનાં હતાં. તેમાંની મૂર્તિઓ તથા જે ક્રિયા ચાલતી હતી તે જોઈ મને હિંદુ દેવસ્થાનો સાંભર્યાં. નવાઈનું એટલું હતું કે, ખૂણા ઉપર ઉપદેશક તથા કેટલીક બાઈડીઓ બેઠેલી હતી. તેઓ વારાફરતી પોતાનાં કરેલાં માઠાં કામ ગુરૂના કાનમાં કહેતી હતી. બારણા આગળ એક માણસ વાસણમાં પવિત્ર પાણી લેઈને બેઠો હતો, અને દેવળમાં જનારા લોક તેને પૈસો આપી તેમાંથી ચાંગળું લેઈ જીભ પર મૂકતાં, તથા આંખે અડકાડતાં. એ દેવસ્થાનોની માંહેની શોભા તથા ગાયન સાંભળી મારો જીવ ઘણો આનંદ પામ્યો, પણ ત્યાંના વહેમી કામોથી હું નાખુશ થયો. એવાં સુંદર દેવળો ઇંગ્લાંડ કે બીજાં કોઈ ઠેકાણે મારા જોવામાં આવ્યાં નહોતાં. પારિસમાં સરકારી ઈમારતો ઘણી જ છે. તે બધી જોવામાં મેં પાંચ દિવસ ગાળ્યા, પણ પૂરી થઈ નહીં, ને જેમાં એકવાર જઈ આવ્યા કે મનમાં એમ થયા કરે કે, ક્યારે તેમાં બીજીવાર જઈશું. નાટકશાળાઓ અને રાજસભાને બેસવાનાં મકાન જોઈ વખાણ કર્યા જ કરીએ. મહારાજાના મહેલોની કાંઈ વાત જ નથી કહી જતી; તેમાંના અતિ સુંદર ગાલીચા, સોને રસેલાં બહુજ રૂપાળાં છજાં, ગોખ, બારીઓ, ખુરશીઓ, કૉચો, આરશીઓ, ઝૂમરો,