પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૬૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪
મિસ ફલોરેન્સ નાઈટીંગલનું જીવનચરિત.

ટોપી વગર ફરતાં હતાં. ગમે તેવી રીતે તેઓ પોતાનો નિર્વાહ કરતાં હતાં. એક ખુણેથી બીજે ખુણે એમ અનેક વાર રખડયાં પછી છેવટ સરકાર તરફથી તેમને હોસ્પીટલમાંની ત્રણ ચાર અંધારી કોટડીઓ રહેવા મળી. મલાજો પાળવા ખાતર લુગડાંઓ લટકાવીને પડદા કરવા પડતા કેમકે બંધીઆર એારડા તો ક્યાંથી જ લાવે ! ઘાસના ભડકાના પ્રકાશમાં તેઓ જમતાં, માંદાની સારવાર કરતાં અને સુવાવડો પણ તેજ જગ્યાએ થતી. નવેંબર અને ડિસેંબર મહિનામાં જ વીસ બાળકોનો જન્મ થયો હતો અને શીયાળામાં બીજાં ઘણાં જન્મ્યાં હતાં.

મિસ નાઇટીંગેલે આવીને તેમને પુરતાં વસ્ત્ર આપ્યાં, અને પોતાના ખાનગી ભંડોળમાંથી તેમને ખોરાક આપ્યો. જે નવાં છોકરાં જન્મતાં તેમની બરાબર સંભાળ લેવા માંડી. બેશક આથી સર્વે દુ:ખી સ્ત્રીઓના મનમાં મિસ નાઇટીંગેલને માટે ગણી જ ઉપકારની વૃતિ થઈ.

જાન્યુઆરી મહિનાની આખરે આ સ્ત્રીઓના રહેઠાણમાં ઝેરી તાવ દાખલ થયો. તેથી તેમને ખસેડવાને મિસ નાઈટીંગેલે ઉપરીને કહ્યું. ત્યાર પછી એક જુદું ભાડાનું ઘર રાખ્યું. તેને મિસ નાઇટીંગેલે પોતાના ખર્ચે સ્વચ્છ કરાવ્યું અને બધા સરસામાન પુરા પાડ્યા. શીયાળો પુરો થયો ત્યાં સુધી સર્વ સ્ત્રીઓને પૈસા, ખોરાક, કપડાં અને સર્વે જરૂરીઆત ચીજો પુરી પાડવામાં આવી, અને વિધવા સ્ત્રીએાને દેશ જતાં કપડાં સીવડાવી આપવામાં આવ્યાં. જે સ્ત્રીઓ કામ કરી શકે એવી હતી તેમને અઠવાડીઆના દસ બાર શીલીંગ આપવાના કરીને ધેાવાના કામ પર રાખી. કેટલીએક આબરૂદાર સ્ત્રીઓ માટે કેાન્સ્ટેટીનોપલમાં સારા કુટુંબમાં નોકરી શેાધી કહાડી. છોકરાંઓ માટે એક નિશાળની પણ શરૂઆત કરી. મિસ નાઇટીંગેલના પ્રયાસથી સ્કયુટેરાઈમાં લગભગ પાંચસો સ્ત્રીઓ દુઃખના સાગરમાંથી ઉગરી. મિસ નાઈટીંગેલે પાછળથી લખાણ કર્યું કે “હવે જ્યારે લશ્કરી કાયદામાં કાંઈ સુધારા દાખલ કરવાનો પ્રસંગ આવે ત્યારે સિપાઈઓની સ્ત્રીએાને ને બાળકોને વિસરશો નહિ.”