પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૬૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.


મહેરબાની કરીને આટલું લખવા જરૂર મિસીસ હર્બર્ટને કહેજો. કારણ કે હું જાણું છું કે બહાદુર સિપાઈઓને અમારી લાગણીથી બહુજ અસર થશે.

વિક્ટોરીઆ.

આ નામદાર મહારાણીનો હસ્તલિખિત પત્ર જ મિસીસ હર્બર્ટે મિસ નાઇટીંગેલ તરફ રવાના કર્યો. મિસ નાઇટીંગેલે દરેક કોટડીની અંદર જઈને દર્દીઓની સમક્ષ વંચાવ્યો. અને દરેક વખત 'ઈશ્વર મહારાણીનું રક્ષણ કરો' એવી પ્રાર્થના કરી, અને તેમાં દરેકે ઘણાજ ઊત્સાહથી ભાગ લીધો. પાછળથી આ કાગળના ઉતારા કરીને હોસ્પીટલની ભીંતો ઉપર ચોંટાડવામાં આવ્યા હતા.

જો કે મિસ નાઇટીંગેલની વિરૂદ્ધ હવે ઝાઝી લાગણી રહી નહોતી, તે છતાં મહારાણી સાહેબના પત્રથી તો તેમને ઘણોજ ટેકો મળ્યો. કારણ કે સર્વને માલૂમ પડયું કે મહારાણીજી પણ મિસ નાઇટીંગેલ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે છે અને સર્વ સમાચાર તેમની જ પાસે મંગાવે છે.

જ્યારે ઇ. સ. ૧૮૫૪ ના શીયાળામાં નાતાલની શરૂઆત થઈ ત્યારે બૅરૅક હોસ્પીટલના દર્દીઓ સ્વચ્છ બિછાનામાં સુખ અને સંતુષ્ટ ચિત્તથી સુતેલા માલૂમ પડયા. કારણ કે તેમનાં રહેવાનાં અને ખાવાનાં સાધનમાં ઘણો જ સુધારો થયો હતા. સ્ત્રીઓથી જેટલી બને તેટલી મદદ તેમને કરી હતી. આ સર્વ વ્યવસ્થા ફક્ત બે મહિનાના અરસામાં કુશળ મિસ નાઇટીંગેલે જ કરી હતી.

દર્દીઓને શારીરિક પીડા હતી છતાં તેમનાં ચિત પ્રફુલ્લિત હતાં. મિસ નાઇટીંગેલ અને તેમની નર્સોના આવ્યાથી તેમને ઘણોજ સંતોષ થયો હતો એમ લાગતું હતું. કારણ કે જયારે મહારાણીના રક્ષણ માટે પ્રાર્થના થઈ ત્યારે સર્વે મહારાણીના નામ સાથે મિસ નાઇટીંગેલ અને તેમની ટૂકડીના રક્ષણ માટે પણ પ્રાથના કરી.