આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભરાતા. ક્ય્હારેક ઘડીક કલાકલાપ નમી જતો; પણ રાજછત્ર સમો અખંડ છત્રછાયા ઢાળતો. એની કલગી અણનમ હતી. એનો કંઠમરોડ માનવમનોહારી હતો. એનાં કલ્પનાનૃત્ય ચન્દ્રીનૃત્ય સમાં હતાં. દૃશ્યનાં એને આકર્ષણ હતાં એથી અદૃશ્યનાં અધિકાં આવતાં. ગેબની ગુફા ભણી કાળ એને દોરી જતો. એ જતો; જાણતો કે કાળમુખમાં આ પગલીઓ ભરૂં છું ત્‍હો યે એ જતો. કોક સંકલ્પબળની નિર્બળતા કહેશે; કોક કુળપતિધર્મની ઉવેખના કહેશે, કોક રાજધર્મની પ્રમાદાવસ્થા કહેશે: એ સહુને એ આગન્તુક ધર્મ માનનો. આઘેઆઘેનો-तद्‍दूरेतद्वन्तिके સમો કોક ધ્રુવતારલો પણ નીરખ્યો હતો ને ઝાલવાને તે જતો. જાગૃતઅવસ્થામાં યે ક્ય્હારેક આ સ્વપ્નાવસ્થામાં ચાલતો. પૃથ્વીપાટે હરતાં ફરાં યે તે અન્તર્વાસી હતો. દેહને એ પાર્થિવ માન્તો, ક્ષણભંગુર કહેતો; અને ત્‍હો યે પૃથ્વીની પૂતળી માટે પછાડા ખાતો. મૂર્તિનો મોહ એની માનવતાની સાક્ષી પૂરે છે, રસતત્ત્વની ઉપાસના એના ચેતનભાવની( અમીરી ઉદાત્તતા વર્ણવે છે. એના આયુષ્યનો ઉચ્ચાર હતો સૌન્દર્યની શોધ. એની અવિરામ નિત્ય બાંગ હતી :

પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ !

કલાપીની અધુરપો ન્હોતી એમ નહિ. એનાં ઉંડાણોને યે તળિયાં હતાં. સંસ્થાનનો એ રાજવી હતો, રાજધર્મ આછા પાળતો. રાજકુટુંબનો એ કુલપતિ હતો, કુલપતિધર્મ એને ગૌણ હતા. મિત્રમંડળનો એ મિત્ર હતો. મૈત્રી એને સાહિત્યરમણા હતી. ચેતનભોમનો એ યાત્રાળુ પૃથ્વીનું પુષ્પ વીણવાને તરફડિયાં મારતો. ચૈતન્યતૃપ્તિ એની રસતૃષા ન્હોતી મટાડતી. એની આંખો સૌન્દર્ય દેહમાં જોતી ને આત્માને સૌન્દર્યતરસ્યો રાખતી. રણમયદાનોને ઢૂંઢતો ઢૂંઢતો સિકન્દર તેત્રીસની વયે રણરમણા સંકેલી ગયો. મરવાં એને સોહ્યલાં હતાં. જીવવાં એને દોહ્યલાં હતાં. આયુષ્ય આટોપવાં એને અઘરાં ન્હોતાં. કપરાં તો હતાં એને દેખે ને ન મળે એ સહેવાં. માનસનાં મોતી ચૂગ્યે એનું મન ન્હોતું માનતું. ' ઝમીં ને આસમાનોના દડા ' ખેલાવતાં ખેલાવતાં, અન્તરિક્ષમાં અદ્ધર ઉડતાં ઉડતાં, ગુલે બંકાવલીના સમું, પૃથ્વીનું પુષ્પ એણે દીઠું હતું. પૃથ્વીનું પુષ્પ વીણી કલગીમાં પરોવવાને દેવવાટેથી એ પૃથ્વીપગથારે પછડાતો. પૃથ્વીના એ સૌન્દર્યપુષ્પની શોધ તે કલાપીનું જીવનસર્વસ્વ. કલાપીનો કેકારવ છે સૌન્દર્યશોધનની બાંગ. ગુજરાતના સૌન્દર્યશોધકો એને આ યુગના પૃથ્વીના સૌન્દર્યશોધક લેખે સંભારશે ને વન્દશે. કલાપીને સૌન્દર્યપ્રાપ્તિ થઈ હતી કે નહિ ? એ ગેબી પ્રશ્નનો ઉત્તર એના વિના આજે કોણ આપશે ? સૌન્દર્ય દેહદેશવાસી છે કે આત્મદેશવાસી ? કે ઉભયદેશવાસી ? પવિત્ર ને