આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવશ્યકતા નહીં જોવામાં આવે. બાળકોને લિપિજ્ઞાનમાં રોકવાં એ તેમનાં મન ઉપર અને તેમની બીજી ઈન્દ્રિયો ઉપર દબાણ મૂકવા બરોબર છે, તેમની આંખનો અને તેમના હાથનો દુરુપયોગ કર્યા બરોબર છે. ખરી કેળવણી પામેલું બાળક અક્ષરજ્ઞાન યોગ્ય સમયે સહેજે મેળવી શકે અને તે રસપૂર્વક પામે. આજે બાળકોને એ જ્ઞાન બોજારૂપ થઈ પડે છે. આગળ વધવાના સારામાં સારા કાળનો નકામો ક્ષેપ થાય છે, અને અંતે તેઓ સુંદર અક્ષર કઢવાને બદલે માખીના ટાંગા જેવા અક્ષર કાઢે છે. તે ઘણું ન વાંચવાનું વાંચે છે અને વાંચે છે તે પણ ઘણી વેળા ખોટી રીતે વાંચે છે. આને કેળવણી કહેવી એ કેળવણીની ઉપર અત્યાચાર કર્યા બરોબર છે. બાળક અક્ષરજ્ઞાન પામે તેના પહેલાં તેને પ્રાથમિક કેળવણી મળી જવી જોઈએ. આમ કરવાથી આ ગરીબ મુલકમાં અનેક વાચનમાળા અને બાલપોથીના ખર્ચમાંથી અને ઘણા અનર્થમાંથી બચી જવાય. બાળપોથી હોવી જ જોઈએ તો તે શિક્ષકોને સારુ જ હોય, મારી વ્યાખ્યાનાં બાળકોને સારુ કદી નહીં. જો આપણે ચાલુ પ્રવાહમાં ન તણાઈ રહ્યા હોઈએ તો આ વાત દીવા જેવી સ્પષ્ટ લાગવી જોઈએ.