આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આગળ આલેખેલી કેળવણી બાળક ઘરમાં જ પામી શકે અને માતાની જ મારફતે. એટલે જેવી તેવી કેળવણી તો બાળકો માતાની પાસેથી પામે છે. જો આજે આપણાં ઘર છિન્નભિન્ન થઈ ગયાં છે, માબાપ બાળકો પ્રત્યેનો પોતાનો ધર્મ ભૂલી ગયાં છે તો બાળકની કેળવણી જ્યાં સુધી બને ત્યાં સુધી એવા સંજોગોમાં અપાવી જોઈએ કે જ્યાં બાળકોને કુટુંબના જેવું જ વાતાવરણ મળે. આ ધર્મ માતા જ બજાવી શકે, તેથી બાળકેળવણી સ્ત્રીના જ હાથમાં હોવી જોઈએ. જે પ્રેમ અને ધીરજ સ્ત્રી બતાવી શકે એ સામાન્ય રીતે આજ લગી પુરુષ નથી બતાવી શક્યો. આ બધું સાચું હોય તો બાળકેળવણીનો પ્રશ્ન ઉકેલતાં સહેજે સ્ત્રીકેળવણીનો પ્રશ્ન આપણી સામે ખડો થાય છે અને જ્યાં લગી સાચી કેળવણી આપવા લાયક માતા તૈયાર નથી થતી ત્યાં લગી બાળકો સેંકડો નિશાળોમાં જવા છતાં કેળવણી વિનાનાં જ રહે છે એમ કહેતાં મને સંકોચ નથી થતો.

હવે હું બાળકેળવણીની કંઈક રૂપરેખા દોરી લઉં. ધારો કે એક માતારૂપી સ્ત્રીના હાથમાં પાંચ બાળકો આવ્યાં છે. આ બાળકોને નથી બોલવાનું કે નથી ચાલવાનું ભાન; નાકમાંથી લીંટ વહે છે તે હાથ વતી લૂછીને પગ ઉપર કે પોતાનાં કપડાં ઉપર લગાડે છે; આંખમાં ચીપડા છે; કાન