આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ટહુકાર ટહુકતા લાઠીનરેશ સુરસિંહજી. સોરઠના રાજવંશો એ ત્રિમૂર્તિનાં કાવ્યતેજે સાહિત્યઉજ્જવળા છે. સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષાનાં એ છે અણમોલ શણગારરત્નો.

કલાપીનો સાહિત્યદરબાર આજે નામશેષ રહ્યો છે, મણિલાલ ને મણિશંકર અકાળે કાળધર્મ પામ્યા. મસ્ત કવિના ને શાસ્ત્રીજીના યમડંખ પછી રૂઝાયા જ નહિ. કુંવરી બા આજીને આરે ક્ષયના રાજરોગમાં પોઢ્યાં. પાટવી પ્રતાપસિંહજી ને બેલડબન્ધુ વિજયસિંહજીને કડકડિયાના ભરતીઓટ ઝડપી ગયા. હારો તૂટે ને ફૂલમાળાનાં ફૂલડાં વિખેરાઈ પડે, એમ સહુ વિખેરાયું કરમાયું. કાળની ઝડપ વાગી ને દીવડા હોલવાયા. પણ કેટલાક હતા અમૃતદીવડાઓ, એમની જ્યોત બૂઝાઈ, પણ તેજ હોલવાયાં નથી. સાતમા દાયકાનો સંસારભાર ઉતારતા એક સંભારે છે મહારાજ લખધીરજી, એક વલખે છે દરબાર વાજસૂરવાળા, અને એક છે કલાપીના અંગનો અવશેષ. સોરઠના રાજકુમારોને રમાડે છે ને ઉછેરે છે એ રાજકુમાર. સદેહે કલાપીદર્શન કરવાં હોય તે કલાપીકુમાર જોરાવરસિંહજીનાં દર્શને જાય. જોરૂભામાં પ્રત્યક્ષ કલાપીદર્શન થશે.

કલાપીએ ગાયું છે કે ત્ય્હાં તો કાશ્મીર દેહ્સ્ના મધુરવા મીઠા ઝરા આવશે, વ્હાલા પાન્થ ! ત્યહીં જરી વિરમજે, એ દેશ વ્હાલો મ્હને.

કાશ્મીરની જગતઅદ્વિતીય સૌન્દર્યકુંજો એણે દીઠી હતી, કાશ્મીરમાંથી એને સૌન્દર્યલગની લાગી હતી. પછી સૌન્દર્યમૂર્તિની શોધ એને જીવનધર્મ થયો.

પણ કેકારવમાંની કેકાવલિ મ્હને તો અધૂરીમધુરી લાગે છે. ત્‍હમને નથી લાગતી ? કલાપીએ વિપ્રલંભ સ્નેહને ગાયો છે. સંયોગસ્નેહ ગાવાને તે રહ્યો નહિ. સ્નેહ એટલે માત્ર શું વિપ્રલંભ જ સ્નેહ ? કલાપીને દૈવે આયુષ્ય અર્પ્યો હોત, શોભનાને પામ્યા પછી શોભનાંના સ્નેહગીત ગાયાં હોત, તો ગુજરાતને સંયોગસ્નેહનો બીજો કેકારવગ્રન્થ મળત. પણ કાલિદાસે મેઘદૂતમાં અલકાવાસી યક્ષરાજનો વિપ્રલંભસ્નેહ એક જ ગાયો છે, યક્ષરાજનો સંયોગસ્નેહ ગાયો નથી. જગતકવિતાના યે ગિરિગિરિવર જેવજેવડા ઢગલાઓ વિપ્રલંભસ્નેહના છે, થોડીક જ કાવ્યકુંજો સંયોગસ્નેહની કાવ્યકુંજો છે. કવિકુલગુરુ કાલિદાસને પગલે કલાપી સંચર્યા છે, જગતકવિતાની કેડીએ કેડીએ એ મોરલો વિચર્યો છે. એણે કહ્યું છે કે સ્થળ અને કાળ એટલે જ વિયોગ. સ્થળકાળભરી પૃથ્વીમાં વળી સ્નેહસંયોગ કેવા ?