આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપે પણ તેના હાથમાં પીંછી તો મૂકે. તે ભૂમિતિની આકૃતિઓ કઢાવે, સીધી લીટી, વર્તુળ વગેરે કઢાવે. જે બાળકો ફૂલ ન કાઢી આપે, અથવા લોટાનું ચિત્ર ન કરી આપે કે ત્રિકોણ ન કાઢી આપે તે કેળવણી પામેલ છે એમ માતા માને જ નહીં. અને સંગીત વિના તો બાળકોને તે ન જ રાખે. બાળકો મધુર સ્વરથી, એકસાથે રાષ્ટ્રગીતો, ભજનો વગેરે ન ગાઈ શકે તે સહન જ ન કરે. તેમને તાલબદ્ધ ગાતાં શીખવે, ભલી થાય તો તેમના હાથમાં એકતારો મૂકે, તેમને ઝાંઝ આપે, ડાંડિયા-રાસ શીખવે. તેમનાં શરીર કસવા સારુ તેમને કસરત કરાવે, દોડાવે, કુદાવે અને બાળકોને સેવાભાવ શીખવવો છે ને હુન્નર પણ શીખવવો છે તેથી તે તેમને કાલાં વીણવા, ફોલવા, પીંજવા ને કાંતવાની ક્રિયાઓ શીખવે ને બાળકો રોજ રમતાં ઓછામાં ઓછો અરધો કલાક કાંતી નાખે.

આ ક્રમમાં હાલ આપણને જે પાઠ્યપુસ્તકો મળે છે તેમાંનાં ઘણાં નકામાં છે. દરેક માતાને પોતાનો પ્રેમ નવાં પુસ્તકો આપી દેશે. કેમ કે ગામેગામ નવાં ઈતિહાસ-ભૂગોળ હશે, અંકગણિતના દાખલા પણ નવા જ રચાય. ભાવનાવાળી માતા રોજ તૈયાર થઈને શીખવે ને પોતાની