આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને કલાપીનાં કીર્તિમન્દિરો ક્ય્હાં ક્ય્હાં છે ? ગુજરાતે જ્ય્હાં જ્ય્હાં પ્રેમપિપાસુ હૈયાં છે, જ્ય્હાં જ્ય્હાં સુન્દરતાને શોધતા રસાત્માઓ છે, ત્ય્હાં ત્ય્હાં કલાપીનાં કીર્તિમન્દિરો છે. કલાપીનો કેકારવ ને કલાપીનો વિરહ એ બે કાવ્યસ્તંભો ઉપર કલાપી કવિનું કીર્તિતોરણ અમરવેલ છાયું ઉભેલું છે. ગુજરાતીઓ સૌન્દર્યને શોધતાં થાકશે ત્ય્હારે એ કીર્તિતોરણ પડે તો કોણ જાણે ! ત્ય્હાં સુધી તો કાળના વજ્રઘાવ એમાંનું અણુરેણુ ખેરવવે અસમર્થ છે.

એણે ગાયું છે કે

અમે જોગી મહાવરવા, સ્મશાનો ઢૂંઢનારાઓ.

ચારેક વર્ષ ઉપરની જ વાત છે, અને કલાપીનગરીનું મહાજન એ જાણે છે: અમે દલપતપુત્રો લાઠીના સ્મશાનમાં કલાપીને ઢૂંઢવાને ગયા હતા તે. આની આ વસન્તઋતુ હતી; લગ્નસરાની માંગલિક વરધો હતી; જાન જોડીને દલપતપુત્રો કલાપીનગરીએ આવ્યા હતા. ત્ય્હારે, લગ્નતિથિના માંગળિક મધ્યાહ્‍ને, માથે સૂર્યદેવ તેજધારાઓ વર્ષતો હતો એ અવસરે, અમે ત્રણે યે દલપતપુત્રો અહીંના રાજસ્મશાનમાં ગયા હતા. કલાપીની દહેરીએ બેએક કલાકના ધામા નાખ્યા હતા, ઘેરા મયૂરકંઠે કેકારવમાંની ગઝલો લલકારી એને પોકાર્યો હતો. લાઠીના રાજસ્મશાનનાં ખાખ અને એ અસ્થિગઢમાં લગ્નતિથિએ કલાપીભક્ત દલપતસન્તાનોએ કલાપીને શોધ્યો હતો. દલપતઉદ્‍ગાયો એક મહામન્ત્ર ત્ય્હાં એણે વળી એકદા અમને સંભળાવ્યો કે સાહિત્ય પુણ્યવેલ છે, પાપવેલ નથી.

જજો; લાઠીના મહાજનો ! ગુજરાતના સાહિત્યોપાસકો ! કોક વાર ત્ય્હાં જજો તો સહી. કાન હશે ને સાંભળશો, હૈયું હશે ને ઝીલશો, તો આતમનિર્મળા થઈને આવશો. કેકારવનો કલાસ્વામી પુણ્યાત્મા હતો, પાપાત્મા ન હતો.

એણે ગાયું છે ને અજે હું ગાઉં છું કે

જ્ય્હાં જ્ય્હાં નજર મ્હારી ઠરે,
યાદી ભરી ત્ય્હાં આપની.

લાઠીનો ચોક, લાઠીનો કોટ, લાઠીનું મુખદ્વાર, લાઠીનો ટેનિસબંગલો, લાઠીનો દરબારગઢ, લાઠીના રામેશ્વરા મહાદેવ, લાઠીની ચાતુર્માસી નદી, લાઠીનું રેલ્વે સ્ટેશન, લાઠીનું રાજસ્મશાન, ભૂરખિયાનો ફરફરતો ધજાગરો: આંખ માંડો કે કાન માંડો, ચાર-ચાર દાયકે