આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગામડાનો ચીલો પડ્યો હતો. ઊંચી ચડાણવાળી જમીનમાંથી રસ્તો કાઢેલો હોવાથી આજુબાજુ માટીની ભીંતો જેવું થઈ ગયું હતું અને ઉપર કેર તથા ચણોઠીનાં ઝાડ અને વેલા ઊગ્યાં હતાં. ચીલાની વચમાંની ધૂળ ઉરાડતી એ ઉતાવળે પગલે ચાલી જતી હતી. સામે સૂર્ય હોવાથી એક હાથ ઊંચો ધર્યો હતો અને બીજે હાથે તામડી પકડી હતી. એકાદ વખત ઓચિંતું પાછું જોવાથી મને એણે જોયો હતો, અને હું તેની જ પાછળ તો નથી ચાલતો એમ વહેમાઈ હતી. એટલે એ ઘડીમાં ધીમે પગલે ચાલે તો ઘડીક ઉતાવળે પગલે; અને તે જ પ્રમાણે હું પણ મારી ચાલ બદલતો હતો. મને ખબર નહીં કે એ ઠગારી પોતાનો વહેમ ખરો છે કે ખોટો તે જાણવા માગે છે. અલબત્ત, હું એની પવિત્રતાને કે એના ચારિત્ર્યને દૂષિત કરવા નહોતો માગતો. એના રૂપથી હું અંજાઈ ગયો હતો. મનથી હું ભ્રષ્ટ થઈ ચૂક્યો હતો, છતાં હજી કાંઈક મગજશક્તિ ચાલતી હતી અને છેક બેશુદ્ધ બની ગમે તેવું વર્તન ચલાવું એટલે દરજ્જે પાગલ નહોતો બન્યો.

આ પ્રમાણે અમે અરધોએક માઈલ ચાલ્યાં હોઈશું, ત્યાં એ અટકી ગઈ. ત્યાં વડના ઝાડની ઘટા હતી, અને તળે વટેમાર્ગુને બેસવાને માટે છાપરી બાંધી હતી. ઉપર કોયલ ટહુકે; નીચે વાછડાં, બકરાં, ગાય, ભેંસ આમતેમ ફરે, સ્થાન રમણીય હતું. છાપરીની બહાર એણે તામડીઓ ઉતારી અને રસ્તાની બાજુ પરની હરિયાળી ઉપર એ ‘‘હાશ, રામ !’’ કહી ઊભા પગે-ગોવાલણીઓ બેસે તેમ બેઠી.

મારી સ્થિતિ કફોડી થઈ. હું ચાલ્યો જાઉં કે ઊભો રહું ? વાત કરવાનો વિચાર આવતાં જ દિલ ધડકવા લાગ્યું. મોં પર લોહી તરી આવ્યું. હિંમત કરી એટલે સુધી હું આવ્યો હતો, પણ આ ગોરી ગોવાલણીએ તાકાત લઈ લીધી હતી.

વિચાર કરી મેં એ જ રસ્તે ચાલવા માંડ્યું. એને વટાવીને બે પગલાં ગયો, ત્યાં ‘‘સંદનભઈ, ઈમ ચ્યોં જાઓ સો !’’ એણે પૂછ્યું. મારે ત્યાં હરરોજ આવતી હોવાથી મને સારી રીતે ઓળખતી હતી., પણ આમ એકાએક મારી સાથે બોલવાનું શરૂ કરશે એનો ખ્યાલ નહોતો. શું ત્યારે હું એની જ પાછળ આવતો હતો તે એ સમજી ગઈ હશે ? મારા સંબંધે એ કેવો વિચાર રાખતી હશે ? આમ કંઈ કંઈ વિચારો મને આવવા લાગ્યા. છતાં એના પ્રશ્નનો જવાબ તો આપવો જ જોઈએ. શો આપવો ? હું તો ગભરાટમાં જ બોલી ઊઠ્યો : ‘‘તારું ગામ જોવા.’’ બોલ્યા પછી વિચાર આવ્યો કે આ હું શું બોલ્યો ! એના ગામને જોવાનું મારે શું પ્રયોજન ! અને હવે જરૂર મારા મનની નબળાઈ એ જાણી ગઈ