આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગભરાટ, ભય કે શરમ રાખ્યા વગર મારી સાથે મિત્રની માફક પરિચિત થઈ વાતો કર્યે જતી હતી.

ઘડીભર અમે બંનેએ શાંતિ પકડી. ને એટલામાં તો વીજળી ચમકે અને બાળકના દિલમાં ફડકો પડે, અઘોર ઘંટ આવે અને એ માલતી ફફડે, આનંદ વેરાતો હોય અને શોક પ્રવેશે, તેમ એકાએક છાપરીની ઉઘાડી બારીમાંથી મારી પત્નીએ ડોકું કર્યું અને મારી સામે એકીટશે કોપાયમાન ચહેરે જોવા માંડ્યું.

જોતાં જ શરીર થરથર કંપવા માંડ્યું. એની આંખમાં ગુસ્સાથી પાણી ભરાઈ આવ્યું હતું. શું બોલું અને શું ન બોલું એની ગૂંચવણમાં એ પડી હતી. કેટલુંય કહી નાખું તેનો ઊભરો એને ચડ્યો હતો. અને છતાં એક શબ્દ એ બોલી નહીં. મારી સામે માત્ર જોઈ જ રહી. મેં નીચી નજર નાખી દીધી. દલી-ધુતારી દલી-સાલ્લામાં મોં રાખી હસતી હતી. ચિત્રકારને અહીં ત્રણ ચિત્ર ચીતરવાનાં હતાં : એક કાલિકા, બીજી જાદુગરણી ને ત્રીજો બેવકૂફ.