આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ચિઠ્ઠી

રમણભાઈ મહિપતરામ નીલકંઠ

રજાનો દિવસ હતો. અને હું ચોકમાં હિંચકે બેસી નવલકથાનું પુસ્તક વાંચતો હતો. નોકરે આવીને કહ્યું, ‘કોઇ મળવા આવ્યું છે.’ મળવા આવનારને અંદર લાવવા મેં સંમતિ આપી. તેને મારી સામે પાટ ઉપર બેસાડી આવવાનું પ્રયોજન પૂછ્યું. તેણે મારા હાથમાં પત્ર મુક્યો. પત્રના અક્ષર અજાણ્યા હતા અને તેમાં સહી કરનારનું નામ પણ અજાણ્યું લાગ્યું. પત્રમાં લખ્યું હતું, "હું ગઇ સાલ આપને આણંદ સ્ટેશને મળ્યો હતો તે યાદ હશે. બે ચાહ વેચનારા ચાહની તારીફ આપ્યા કરતા હતા ત્યારે મેં કહેલું કે ટેબલ પર ચાહની દુકાન છે ત્યાંની ચાહ આ બંનેથી સારી છે. કાગળ લાવનારની હકીકત સાંભળી તેની ઇચ્છા પ્રમાણે તેને મદદ કરવા મહેરબાની કરશો. તા.ક. આ માણસ મારા સગામાં છે." ચાહનો પ્રસંગ મારી સ્મૃતિમાં નહોતો, અને આટલી જૂજ ઓળખાણ પર ભારે બોજો મુકાય છે એમ મને લાગ્યું પરંતુ ‘સંબન્ધમાભાષણ પૂર્વમાહુઃ! (વાતચીત થઈ એટલે તરત મૈત્રી થયેલી ગણાય છે) એ રઘુવંશનું વચન લક્ષમાં લઇ પત્ર લાવનારને તેની હકીકત કહેવા મેં કહ્યું, તે બોલ્યો :

"મારા ભાણેજ છગનલાલ માટે વહીવટદાર સાહેબ વધારે પગારની જગાની ભલામણ નથી કરતા. છગનલાલને આ જગ્યાએ અઢી વરસ થયાં. અને વસ્તીપત્રકમાં પિંજારાના મહોલ્લામાં એને ગાળો ખાવી પડેલી. પણ છગનલાલ રૂશ્વત ખાય છે એમ કહી નોંધણી કામદારે વહીવટદાર સાહેબના મનમાં ખોટો વહેમ ઘાલ્યો છે, પણ નોંધણી કામદારની મરજી એ જગા પોતાના ભાઈબંધ અમથાલાલના દીકરા છોટાલાલને આપવાની છે. બહારથી એમ બતાવે છે કે અમથાલાલ સાથે મારે ભાઈબંધી નથી. પણ, નોંધણી કામદાર અહીં આવ્યા પહેલાં સાવલીમાં હતા ત્યારે અમથાલાલના ઘરથી ત્રણ ઘર છેટે રહેતા હતા. એ કહે છે કે હું દશ ઘર છેટે રહેતો હતો એ ખોટું છે. ત્રણ ઘર છેટે રહેતા હતા એવો પુરાવો હું આપ સાહેબને બતાવું."

મેં કહ્યું, "મારે એવો પુરાવો શું કામ જોવો પડે?"