આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"નોંધણી કામદારે ખોટો વહેમ ઘાલ્યો છે તેથી એ માર્યો જાય છે"

"જુઓ ભાઈ, હું તમને નથી ઓળખતો, વહીવટદાર સાહેબને નથી ઓળખતો, નોંધણી કામદારને નથી ઓળખતો, છગનલાલને નથી ઓળખતો. હું આ કામમાં શી રીતે વચ્ચે પડું?"

"અમથાલાલની બધી ખટપટ છે. છોટાલાલને જગા અપાવવા માટે એ અમલદારોના કાન ભંભેરે છે. ઊંટની ચોરીના કામમાં પણ એણે બહુ ખટપટ કરેલી... એનો કોઇ કાકો પણ ખટપટીઓ છે."

"તેમાં મારે શું?"

"ગોવિંદલાલભાઈએ આપને કાગળ લખી આપ્યો છે. આપ સિવાય મારે બીજો આધાર નથી."

"ગોવિંદલાલભાઈ સાથે મેળાપ થયાનું મને યાદ રહ્યું નથી, પણ મને એમણે સંભાર્યો તે મહેરબાની કરી છે. તમે એમના શા સગા થાઓ?"

"એમની દીકરીના દીકરાની સગાઇ મારા મામાની છોડી વેરે થવાની છે."

"તમારી હકીકત મેં સાંભળી લીધી. હું ચિઠ્ઠી લખી આપી શકું તેમ નથી."

"પણ સાહેબ મારો ભાણેજ રૂશ્વત ખાતો નથી અને બચરવાળ છે."

"હું ક્યાં કહું છું કે એ રૂશ્વત ખાય છે અને બચરવાળ નથી?"

"તો સાહેબ ચિઠ્ઠી-"

"ચિઠ્ઠીની વાત કરશો જ નહિ. હવે બંધ કરો."