આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છગનલાલના પ્રમાણિકપણા વિષે અને બહોળા કુટુંબ વિષે ઘણાં આગ્રહનાં વચનો સાંભળી મારે એ માણસને આખરે વિદાય કરવો પડ્યો.

નવલકથા આગળ વાંચવી મેં શરૂ કરી. પણ, અડધું પાન વાંચ્યું એટલામાં તો બીજો મળનાર આવી પહોંચ્યો. તેણે આપેલો કાગળ હું વાંચતો હતો. એટલામાં તેણે પાટ પર બેઠા બેઠા ડોકું કરી તથા લાંબો હાથ કરી બુમો પાડી કે જગાભાઈ! આવોને! ભગાભાઈ! આવોને! ગગાભાઈ! આવોને! એમ કહી બારણે ઊભેલા પાંચ છ માણસોને તેણે ચોકમાં બોલાવ્યા અને તેઓ આવી તેની જોડે પાટ ઉપર બેઠા. મને આપેલો કાગળ મારા ઓળખીતાનો હતો. તેથી આ મહાશયને મેં સકારણ ગણી આગમન કારણ પૂછ્યું. પ્રથમ આવનારે કહ્યું. "અમારા ગામમાં સરકાર સુધરાઈ ખાતું કાઢે છે."

મેં કહ્યું, "બહુ સારું"

બધા બોલી ઉઠ્યા, "શું બહુ સારું? કર નાખે તેથી અમે બધા વેપારી માર્યા જઇએ."

"ગામમાં રસ્તા થશે, દીવાબત્તી થશે, નિશાળ નહિ હોય તો નિશાળ થશે, દવાખાનું થશે. એ બધું કાંઇ કર નાખ્યા વગર થાય?" "અમારે તો એમાંનું કાંઇ ના જોઇએ. નિશાળ તો હોય છે તે સરકારને બંધ કરવી હોય તો બંધ કરે. છોકરા નજીકને ગામ જઇ ભણશે. પણ સુધરાઈ ના જોઇએ. અમારું ગામ તો ખાડા ટેકરાવાળું છે. તેમાં સુધરાઈને શું કરવી છે? આજ લગી સુધરાઈ વિના ચાલ્યું અને હવે સુધરાઈ શા માટે કાઢે છે?"

"એ બધું મને શા માટે કહેવા આવ્યા છો?"

"દીવાન ઉપર ચિઠ્ઠી લખી આપો કે અમારા ગામમાં સુધરાઈ ના કાઢે."

"એમ શી રીતે બને? રાજ દીવાન સાહેબને ચલાવવું અને હું અહીં બેઠો બેઠો ચિઠ્ઠીઓ લખું કે આમ કરજો અને આમ ન કરજો! રાજ વહીવટના કામમાં મને માથું મારવાનો શો હક?"