આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોન્ટ્રાકટ રાખ્યો હતો. પણ બાંધકામમાં ચુનાને ઠેકાણે ચારું વાપર્યું હતું. ઇંટો પાકી લાલને બદલે આમરસી વાપરી હતી. લાકડાં મલબારી સાગને બદલે વલસાડી સાગ વાપર્યા હતાં, પાટીયાં આખાંને બદલે કાટવાળા વાપર્યા હતાં. વળીઓ ઓછી જાડાઇની વાપરી હતી. અને સ્ક્રૂને બદલે ખીલા વાપર્યા હતા. પાયા શરત પ્રમાણે ઊંડા કર્યા નહોતા; એવા કારણથી મ્યુનિસિપાલિટી તરફથી કોન્ટ્રાક્ટના પૈસા મળતા નહોતા. મેં પૂછ્યું, "મ્યુનિસિપાલિટી આ વાંધા કાઢે છે તે ખોટા છે?"

"બીજા અદાવતીઆ કંટ્રાટીઓની નનામી અરજીઓ પરથી મ્યુનિસિપાલિટીએ આ વાંધા કહાડ્યા છે!"

"પણ કોઇએ આ વાંધાના ખરાખોટાપણા વિષે તજવીજ કરી છે?"

"સરકારી ઇજનેર ખાતાના ઓવરસિયરે મ્યુનિસિપાલિટીના લખાણ ઉપરથી તજવીજ કરી છે."

"તેમણે શો રીપોર્ટ કર્યો છે?"

"તેમણે તો લખ્યું છે કે મકાન તદન રદી છે અને પાડી નાખવું જોઇએ."

"એટલે આ વાંધા એમને ખરા લાગ્યા છે?"

"હા, પણ મારા અદાવતીઆની ખટપટથી આ કામ ઊભું થયું છે."

"કામ ઊભું થવાનું કારણ ગમે તે હોય પણ તમે કોન્ટ્રાક્ટ પ્રમાણે બાંધકામ કર્યું નહિ અને નબળું મકાન કર્યું તો તમને મ્યુનિસિપાલિટી નાણાં શી રીતે આપે?"

"સાહેબ, હું માર્યો જાઉં છું. મારે માલ માટે વેપારીઓનાં બીલ ચુકવવાનાં છે અને કડીઆ સુતારના રોજ ચુકવવાના છે. મ્યુનિસિપાલિટી પૈસા ન આપે તો હું શી રીતે નાણું પતાવું? "

"કપટ કર્યું તો તેનું ફળ ભોગવો."