આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કપટ શાનું! બધા કંટ્રાટીઓ એમ જ કરે છે. આ તો છીંડે ચડ્યો તે ચોર. કંટ્રાટ પ્રમાણે બધું કામ કરે તો કંટ્રાટીઓ કમાય શું? વચમાંના નાના નોકરોના મન મનાવવાં પડે અને હરીફાઇમાં કંટ્રાક્ટની રકમ તો ઓછી રાખવી પડે. ચસમપોશી વિના ધંધો જ ચાલે નહિ."

"એ નીતિશાસ્ત્ર તમને મુબારક હો. પણ, હું કામમાં શું કરી શકું ?"

"મ્યુનિસિપાલિટીના સેક્રેટરી સાહેબ ઉપર આપ ચિઠ્ઠી લખી આપો તો મારું કામ થાય."

"એવી ચિઠ્ઠી લખી આપું કે મ્યુનિસિપાલિટીનું હિત બગાડી આ માણસને નાણાં આપજો?"

"સેક્રેટરી સાહેબ તો ધારે તે કરી શકે."

"શું ધારે? તમારા બાંધકામ માટે ઇજનેર ખાતાએ રીપોર્ટ કર્યો હશે, એમણે પોતે રીપોર્ટ કર્યો હશે, સરકારી ઓવરસિયરે રિપોર્ટ કર્યો છે, તે છતાં તમને નાણાં આપવાનું શી રીતે ધારે?"

"બધા કાગળ એક જ તુમારમાં છે."

"તેથી શું?"

"એ તુમાર ગુમ થઈ જાય તો હું બીજા સારા રીપોર્ટ મેળવી શકું."

"સેક્રેટરી સાહેબને દગો કરવા ચિઠ્ઠી લખું એવી સૂચના કરતાં શરમ નથી આવતી?"

"સાહેબ હું માર્યો જાઉં છું. બચરવાળ છું ગરીબ માણસ છું. આપ ભલામણ ન કરશો પણ ચિઠ્ઠી લખી આપો તો બસ છે. તે ચિઠ્ઠી લઇને સેક્રેટરી સાહેબને આપીશ. ચિઠ્ઠીમાં ગમે તે લખજો."

"ગમે તે લખીશ તો ચાલશે."

"હા સાહેબ."