આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રાથમિક કેળવણી છે . . . . જે ક્ષણે આ મુખ્ય પ્રશ્નનો નિકાલ આવશે, તે ક્ષણે જ કૉલેજની કેળવણીના પ્રશ્નનો પણ નિકાલ આવી જશે. . . . "

એ વખતે ૧૯૩૭માં આમ મર્યાદિત કરીને લીધેલા કામને જ્યારે ફરી ૧૯૪૭માં તાર સાંધવાનો આવ્યો, ત્યારે તેમણે મનુષ્યની આજીવન કેળવણીનો આખો નક્શો આંક્યો, ને એમાં પાયાની કેળવણી કેવી વધ્યવર્તી સૂર્ય સમાન છે તે બતાવ્યું. આવું સ્થાન એને ખરેખર જો આપી શકીએ, તો તેમાં આગળના કામના કોયડાનો ઉકેલ સંતાયો છે, એમ પણ તેમણે સ્પષ્ટ કહ્યું છે; અને એ કામ દેશ આગળ હવે છે એમ જણાવીને તે ગયા.

આ ચોપડી આ લાંબી કથાને સુરેખ રજૂ કરે છે. એનાં પ્રકરનો આમ તો તે લખાતાં જતાં હતાં ત્યારે हरिजनમાંથી વાંચ્યા હતાં. પરંતુ તેમને આ ચોપડી રૂપે વાંચવા સળંગ બધાં જોવાથી જે ચિતાર આવ્યો, તેવો ત્યારે આવ્યો નહોતો. એ પણ જોયું કે, ગાંધીજીને પોતાના વિચારની રજૂઆત કરવાને માટે જે કહેવું છે તે આટલામાં સ્પષ્ટ રીતે આવી જાય છે. તેથી સંપાદન કરતાં મળેલો આ ચિતાર આટલા લંબાણથી મેં અહીં નોંધ્યો છે. એમાંથી વાચકને પાયાની કેળવણીના પ્રયોગની દસવરસની વિચારયાતાનો કાંઈક નક્શો પણ મળી રહેશે માનું છું.

૭-૮-'૫૦

મગનભાઈ દેસાઈ