આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઝાડીઝુંડોમાં કવિને મંચલમાં પધરાવીને શોભના ને કલાપી કવિસ્વારીની આગળ આગળ ચાલતાં. મસ્ત કવિને કલાપી એમ લાડ લડાવતા. અને કવિએ પણ પછી કલાપીને લડાવવામાં કમીના કંઈ રાખી નથી. હૈયાધારાની જળધારીઓ કવિએ પછી કલાપીને ચ્હડાવી છે. ઘવાયેલો સિંહ ગર્જે એમ કલાપીમૃત્યુએ યમરાજવીંધેલા કવિ પછી ગર્જતા. કલાપીવિરહ ગાઈને કવિએ પછી કલાપીને બિરદાવ્યા ને બહલાવ્યા, કેકારવ સંગ્રહી ગૂંથી છપાવી કાન્તે કલાપીનું કીર્તિમન્દિર માંડ્યું; મસ્ત કવિએ મહીં હૈયા જેવડી સોનવેલની જળધારી ચ્હડાવી. અવિરત અશ્રુધારાએ કલાપીને કવિ વધાવે છે. મિત્ર મળજો તો એવા મળજો-કાન્ત ને મસ્ત કવિ જેવા; જેમને એક બક્ષિસ નિવાજી હોય તો સ્‍હામાં એ અમરત્વ બક્ષે.

અને એક હતા ત્ય્હાં સૌમ્યમૂર્તિ શાસ્ત્રીજી. શાસ્ત્રસૂનો કલાપીદરબાર ન શોભે. પ્રભુલાલ શાસ્ત્રી કુંડલાના વતની હતા, ભાગવતરસિયા હતા. એઘદૂતના ઘનપાઠી હતા, અને ' વૈદ હતા ' ને ' ભાગવતરસિયા હતા ' કહ્યું એટલે પ્રશ્નોરા હતા એ કહેવાઈ જ ગયું. પ્રભુલાલ શાસ્ત્રીની કુમાશ હતી શરતજળની સુજનતા હતી અગરચન્દનની. શાસ્ત્રીજી કલાપીને ગીર્વાણના ઓપ આપતા. કાલિદાસભવભૂતિ સંભળાવતા. કલાપી દેવ થયા પછી જાણે શાસ્ત્રીજીએ સાહિત્યસંન્યાસ લીધો હતો-સાહિત્યોપાસના અંગીકારી હતા. શાસ્ત્રીજીની સુકુમારતા કલાપીના મૃત્યુડંખનાં યમવિષ દીર્ઘકાળ જીરવી શકી નહીં. પછી પ્રભુલાલ શાસ્ત્રીને હસતા દીઠા છે; પણ એ હાસ્યરેખાઓમાં યે સદા વિષાદછાયા વસતી, દુનિયા એમને ઓછી અધૂરી ભાસતી. જેટજેટલો કલાપીએ પ્રેમ પાયો છે એટએટલાં કલાપીએ સ્વજનોને અશ્રુ પાયાં છે. દેહવાસી સહી; ગૃહવાસી નહિ; કલાપીહયાવાસી રાજમહેમાન હતા.

અને એક હતા જટિલ. જટિલ હતા મહુવાના સાગરતીરના વતની. એ યુગમાં સાહિત્યના સિતારા ગણાતા. જટિલપ્રાણબન્ધના કાવ્યસંગ્રહકર્તા. મહુવા મિડલ સ્કુલના હેડમાસ્તર હતા, થોડોક કાળ કલાપીના સાહિત્યમન્ત્રી હતા. મહુવાની એ મહાપુરુષોની ઋતુ હતી. આઠદશેકની મિત્રમંડળી એક ખાખીની ધૂણીએ જામતી, ને સહુ પછી નિજનિજના દિશામાર્ગમાં નામાંકિત નીવડ્યા. નીચે ખામણે, તીરછી નજરે, ઘૂંચવાયેલી ભમ્મરોએ જટિલમાં સરળતા ઓછી ભાસતી. હરિ હર્ષદ ધ્રુવના પરલોકવાસ પછી ચન્દ્ર માસિકનું તન્ત્રીપદ જટિલનું હતું. જટિલ ત્ય્હારે સાહિત્યજાણીતા હતા.