આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પુત્રબેલડ હતી સુજનતાની મૂર્તિઓ. મૂળચન્દભાઈ ને લલ્લુભાઈ ત્ય્હારે કૉલેજવિદ્યાર્થીઓ હતા, વિદ્યાવ્યાસંગી હતા, સાહિત્ય રસિક હતા, ઉગતા તારલાઓ હતા. મૂળચન્દભાઈ પછી અમદાવાદ મ્યુનિસિપાલિટિના પ્રમુખ થયા હતા, સર લલ્લુભઈ પછી મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ અને ચીફ જસ્ટિસ થયા હતા. કૉલેજ રજાઓમાં કલાપીને એ બાંધવબેલડનો સાસ્ત્રસંગાથ સાંપડતો.

આશરામભાઈ અમદાવાદના હતા, સ્વામીસંપ્રદાયી હતા, સાહિત્યરસિયા હતા. સાહિત્યધામના એક બે ચાસ આશારામભાઈએ ખેડ્યા છે. આશારામભાઈની મહેમાનીએ કવીશ્વર દલપતરામ પણ આવતાજતા. અમારા મ્હોટાભાઈ એવામાં પેલી નમણી નાવલીને તીરે સાવરકુંડલે ન્યાયાધીશ હતા, ને કૂંડલાનું રેલ્વેસ્ટેશન ત્ય્હારે હતું લાઠી. કવીશ્વર સંગાથે આશાભાઈની મહેમાનીએ એકદા હું યે અંહી આવ્યો હતો. સ્‍હાંજને પહોરે પિતાપુત્ર અમે દરબારગઢ સન્મુખના ચોકમાં આશારામભાઈના આંગણે ઉતર્યા; સ્‍હવાર પડતાં તો ઘમઘમતું શીઘરામ શેત્રુંજીને માર્ગે પડ્યું. અતિથિ યે નહિ, એક રાત્રીના અમે આગન્તુક હતા. મે માસના લાંબા લાંબા દિવસો હતા. મૂળચન્દભાઈ ને લલ્લુભાઈ પિતાઘેર લાઠીમાં હતા. પડતી રાત્રીએ કવીશ્વરને મળવા કલાપી આવ્યાનું ઝાંખું ઝાંખું સાંભરે છે. આયુષ્યભરમાં અર્ધી સદ્દી પૂર્વેની આ આંખોને એજ એક કલાપીની ઝાંખી.

મ્હોટા મનના આશારામભાઈની મહેમાનીએ સાહિત્યસ્વામી માત્ર આવતા એમ નહિ, સોરઠના બહાદરિયા બહારવટિયા યે આવતા. આશારામભાઈના કુટુંબવડીલો લશ્કરી કુટુંબના હતા, ઈંગ્રેજ લશ્કર સંગાથે સંગાથે ગુજરાતમાંથી સોરઠમાં આવ્યા હતા. લાઠી આવ્યા પૂર્વે આશારામભાઈ પેલા મિયાણાઓના વાઘવાસ માળિયામાં અમલદારીએ હતા. એ વાઘની બોડના આશારામભાઈ માનીતા રખેવાળ હતા. પછી વાલા નામેરીએ બ્‍હારવટું ખેડ્યું, ને સોરઠમાં ઘૂમતો ઘૂમતો લાઠીચાવંડને માર્ગે વાવ છે એ વાવમાં પોરો ખાવા આવીને બેઠો. લાઠીદરબારગઢમાં વાવડ આવ્યા. આશારામભાઈએ સરંજામ જમાવ્યો, હતા તે સીબન્ધીને સાબદા કીધા, પોતાને કાજે પલાણ મંડાવ્યું. સરસ્વતીચંદ્રમાંના પેલા માનચતુર ડોસા જેવા વૃદ્ધ્ને યુધ્ધે ચ્‍હડતાં નીરખી ચન્દ્રકાનત્ર સમા નવશારદાપીઠસંસ્કારીપુત્રો બોલ્યા, બાપુ ! - લાઠીમાં ત્ય્હારે એક ગોવર્ધન માળી હતા. પછી તે ભાવનગરે જઈને રહ્યા, કંટ્રાટ્રીપણું કીધું, પૈસેટકે ને પુત્રપરિવારે સુખી થયા. ગોવર્ધન માળીની કવિતાવેલ પાંગરી હતી લાઠીની વાડીઓમાં. કલાપીના માળી યે કાવ્યરસિયા નીવડતા, નામેરીપ્રસંગને ગોવર્ધન માળીએ કવિતામાં ગાયો છે, સ્વમુખે મ્હને સંભળાવ્યો છે. કવિતા કહે છે કે શારદાપીઠસંસ્કારી સુપુત્રોને વડીલે ઉત્તર વાળ્યો કે