આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આવી બેદરકારીથી હવા બગડે છે, પાણી બગડે છે. પછી કૉલેરા, ટાઇફૉઈડ વગએરે ઊડતા રોગો થાય તેમાં આશ્ચર્ય શું? કૉલેરાના રોગની ઉત્પતિ જ ગંદા પાણીમાં રહેલી છે. ટાઇફૉઈડને વિષે પણ ઘણે ભાગે એમ જ કહી શકાય. લગભગ પોણોસો ટકા રોગ આપણી ગંદી ટેવોને લીધે થાય છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

તેથી ગ્રામસેવકનો પહેલો ધર્મ ગ્રામનિવાસીને સ્વચ્છતાની કેળવણી આપવાનો છે. એ કેળવણી આપવામાં વ્યખ્યાનને અને પત્રિકાને ઓછામાં ઓછું સ્થાન છે. કેમ કે ગંદકીએ એવી જડ ઘાલી છે કે ગામડિયાઓ સ્વયંસેવકની વાતને સાંભળવા તૈયાર નથી હોતા. સાંભળે તો તે પ્રમાણે કરવાનો ઉત્સાહ નથી રાખતા. પત્રિકા વગેરે વહેંચે તો વાંચવાના તો નથી જ. ઘણાને વાંચતાં આવડે પણ નહિ. અને જિજ્ઞાસુ ન હોવાથી જેને આવડે તેની પાસે વંચાવે નહિ.

એટલે સ્વયંસેવકનો ધર્મ પદાર્થપાઠ આપવાનો થયો. ગ્રામનિવાસી પાસે કરાવવાનું પોતે કરી બતાવે ત્યારે જ તેઓ કરવાના; અને ત્યારે તેઓ કરવાના જ એ વિષે કોઈ શંકા ન લાવે. આમ કરવા છતાં ધીરજની આવશ્યકતા તો રહેશે જ.