આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બે દિવસ આપણે સેવા કરી એટલે લોકો પોતાની મેળે કરતા થઇ જશે એમ માનવાનું કશું કારણ નથી.

સ્વયંસેવકે પોતે ગ્રામવાસીઓને એકઠા કરી પ્રથમ તો તેમનો ધર્મ તેમને સમજાવવો રહ્યો. અને તે જ વખતે તેઓમાંથી સ્વયંસેવક મળો અથવા ન મળો, તેણે સફાઇનું કામ શરૂ કરી દેવાનું રહ્યું. તેણે ગામડામાંથી જ પાવડો, ટોપલી અથવા ડોલ, ઝાડુ અને કોદાળી એટલી ચીજ પેદા કરી લેવી જોઇએ. એ વસ્તુ પાછી મળવાની ખાતરી મળ્યા પછી લોકો તે આપવાની ના પાડે એવો સંભવ નથી.

હવે સ્વયંસેવક રસ્તો તપાસશે ને જ્યાં મળમૂત્ર હશે ત્યાં પહોંચી વળશે. મળને પોતાની ટોપલીમાં એકઠો કરશે ને તે જગ્યા ઢાંકશે. જ્યાં મૂત્ર હશે ત્યાં પણ પાવડા વતી ઉપરની ભીની ધૂળ તે જ ટોપલીમાં લઇ લેશે, ને પછી તેની ઉપર આસપાસની ચોખ્ખી ધૂળ વેરશે. આસપાસ કચરો હશે તો તે ઝાડુ વતી એકઠો કરી તેનો ઢગલો એક કોરે કરી મૂકશે ને મળને ઠેકાણે પાડ્યા પછી કચરો તે જ ટોપલીમાં એકઠો કરીને તેને ઠેકાણે પાડશે.