આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખાતરવાળા ખેતરમાં જે ઘઉં પાકશે તે જથામાં ભલે ઓછાં હોય છતાં મીઠાશમાં અને પૌષ્ટિકતામાં પેલાના કરતાં બહુ વધી જશે. અને સંભવ એવો છે કે પૂરતી શોધ થયા પછી રસાયણી ખાતરની કિંમત આજે જેટલી આંકવામાં આવે છે તેમાં ઘણો ઘટાડો થાય.

આમ હો કે ન હો, છાણનો ઉપયોગ ખાતરને જ સારુ કરવો જોઇએ એ વિષે બે મત સાંભળ્યાં નથી. તેથી ઢોરના છાણ અને મૂતરનો ખાતરને સારુ ઉપયોગ કરવાનો સંપૂર્ણ જ્ઞાન આપવાનું કામ પણ ગ્રામ સેવકનું જ હોઈ શકે. છાણાં વિષે લોકોનો ભ્રમ દૂર કરવો, તેને બદલે તેના જેવું બીજું ઇંધન શોધી કાઢવું, છાણ અને ગોમૂતરની ખાતર તરીકેની કિંમત અનેક પ્રકારે સમજાવવી, અને તે સમજાવવા પૂરતું જ્ઞાન મેળવી લેવું એ સ્વયંસેવકોનું કર્તવ્ય છે. આ આખો વિષય જેટલો રસિક છે તેટલો જ લાભદાયક છે, અને ઉદ્યમી સંશોધકોને સારું તેમાં જ્ઞાનનો ભંડાર રહેલો છે. વાંચનાર જોશે કે જેમ મનુષ્યના મળમૂત્રને વિષે તેમ જ આને વિષે પૈસાની કે ભારે વિદ્વતાની આવશ્યકતા નથી, પણ જે પ્રેમનો ઉલ્લેખ મેં ગયા પ્રકરણમાં કર્યો તે પ્રેમની આવશ્યકતા છે.