આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એવી માન્યતા હું ચોમેર જોઉં છું. મેં તો એવી આવશ્યકતા મુદ્દલ જોઈ નથી. ઘણા ગામોની આસપાસ એવી સંસ્થા હૉય તો સારું ખરું. પણ આવી વસ્તુ મહત્ત્વ આપવા યોગ્ય નથી. ઇસ્પિતાલ હોય ત્યાં દરદીઓ તો ભરાવાના જ. તે ઉપરથી એવું અનુમાન ન ખેંચાય કે સાત લાખ ગામડાંમાં સાત લાખ ઇસ્પિતાલ હોય તો મહાન ઉપકાર થાય. ગામડાનું દવાખાનું ગામડાની શાળા હોય, અને ગામડાનું વાચનાલય પણ ત્યાં જ હોય. રોગ દરેક ગામમાં હોય, વાચનાલય દરેક ગામને માટે હોય, શાળા તો જોઈએ જ. આ ત્રણ નોખાં મકાનનો વિચાર કરતાં માલૂમ પડશે કે એ રીત બધાં ગામડાંને પહોંચવા સારુ કરોડો રૂપિયા જોઈએ ને ઘણો કાળ વીતે. એટલે લોકશિક્ષણનો ને ગ્રામસુધારણાનો વિચાર કરતાં આપણે દેશની અત્યંત ગરીબાઈને યાદ રાખ્યે જ છૂટકો છે.

આવી બાબતો વિષેના આપણા વિચારો આપણે પરદેશોને લૂંટીને ધનાઢ્ય થયેલી પ્રજા પાસેથી ભાડે ન લીધા હોત તો, અને આપણામાં ખરી જાગૃતિ પેદા થઇ હોત તો, ગામડાંનાં વાન ક્યારનાં બદલાઈ ગયાં હોત.