આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૫.
કૂવા અને તળાવ

પૂર્વે તેમ જ હાલ ગામડાં વસાવનાર પહેલી ખબર પાણીની લેશે; અને જો પાણીની સગવડ સારી ન હોય અથવા ન થઈ શકે એવું હોય તો ત્યાં ગામડું વસાવવાનો વિચાર સરખોયે નહિ કરે. દક્ષિણ તરફ એવા બીજી બધી રીતે સુંદર પણ સૂકા પ્રદેશો જોવામાં આવે છે કે જ્યાં પાણીને અભાવે ગામડાં વસાવી શકાતાં નથી. હવા એ મનુષ્યની પહેલી આવશ્યકતા છે. તેથી એને ક્યાંયે શોધવા જવી પડતી નથી. બીજી હાજત પાણી છે. અને એ જોકે હવા જેટલી સહેલાઈથી નથી મળી શકતું તોયે અનાજ ઉત્પન્ન કરવા જેટલું પેદા કરવામાં કષ્ટ નથી આવતું. પણ જેમ હવા અથવા અનાજ ચોખ્ખાં હોવાં જોઈએ તેમ પાણી પણ ચોખ્ખું હોવું જોઈએ.