આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઝેરી જંતુઓ પેદા થાય છે ને એ પાણી પીવાથી સહેજે કોલેરા ઈત્યાદિ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. થોડી સંભાળથી આવાં તળાવ સાફ રહી શકે છે. ગામના તળાવને બાંધી લેવું જોઈએ જેથી તેમાં ઢોર જઈ શકે નહિ. પણ તેમને પાણી પીવાની સગવડ તો હોવી જ જોઈએ. આને સારુ તળાવની નજદીક, જેમ ઘણા કૂવાની નજદીક હોય છે તેવું નવાણ બાંધવું જોઈએ. અને એમાં ગામનાં બધાં માણસો એકેક ઘડો ભરી જાય તો જોઈએ તેટલું પાણી રોજ ભરાયા કરે.

પાણી પીવાના તળાવમાં વાસણ કે કપડાં કદી ધોવાય જ નહિ. એના બે ઉપાય છે. એક તો એ કે સૌ પોતાના ઘરને સારું પાણી ભરી ગયાં હોય તેથી ઘેર જ ધોઈ લે. અથવા બીજો ઉપાય એ છે કે તળાવની પાસે જ એક ટાંકી રખાય. તેમાં પણ સૌ પોતાના ભાગનું પાણી ભરે અને એ પાણીનો ઉપયોગ ગ્રામવાસીઓ કરે. ગ્રામવાસીઓની વચ્ચે આવો સહકાર હોય અને પરોપકાર વૃત્તિ હોય તો જ આ થઈ શકે. આમ હાથોહાથ કામ ના થાય તો થોડા ખર્ચથી ટાંકી અને નવાણ ભરાવી શકાય. કપડાં ધોવાની જગાએ પાણી તો ઢોળાય જ; તેથી એટલો ભાગ પાકો બાંધી લેવો જોઈએ